સૌરાષ્ટ્ર કચ્છમાં એક બાજુ કાતીલ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. તેવા સમયે ધરતીના પેટાળમાં પણ સખળ ડખળ શરૂ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન તાલાલા પંથકના 3.1ની તીવ્રતા સહિતના છ અને કચ્છમાં બે આંચકા મળી આઠ આંચકા આવતા ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ખાસ કરીને તાલાલા પંથકની ધરતીના પેટાળમાં ભારે સખળ હખલ શરૂ થયું છે તેમ ગઈકાલે 14 કીમી દુર 1.9ની તીવ્રતાનો હળવો આંચકો નોંધાયો હતો. જેની લોકોને અસર નહિવત થઈ હતી. પરંતુ બાદમાં રાત્રીના સમયે માત્ર અઢી કલાકના ગાળામાં જ એક સાથે પાંચ આંચકાઓ તાલાલા પંથકને હળબલાવી નાંખ્યો હતો.
ગત રાત્રીના તાલાલાથી ઉતર ઉતર પૂર્વમાં 14 કીમી દુર અને ધરતીમાં 5.5 કીમીની ઉંડાઈ પર 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાતા લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. આ આંચકો માળીયા હાટીના મેંદરડા સહિતના વિસ્તારમાં પણ અનુભવાયો હતો. બાદમાં તુરંત જ 1.3ની તીવ્રતાનો આંચકો 10.30 મીનીટે આવ્યો હતો. જેનું કેન્દ્રબીંદુ નોર્ટ નોર્થઈસ્ટ તરફ 14 કીમી દુર નોંધાયુ હતું. આજ દિશામાં અંદાજે આટલા કી.મી.ના અંતરે જ રાત્રે 10-43 મીનીટે 1.3ની તીવ્રતા, 12-56 મીનીટે 1ની તીવ્રતાનો અને એક વાગ્યાને 6 મીનીટે 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
આ સિવાય કચ્છના રાપર અને ભચાઉ 1.4 અને 1.3ની તીવ્રતા ધરાવતા હળવા બે આંચકા નોંધાયા હતા. આમ 24 કલાકમાં જ 3.1ની ભારે તીવ્રતા સહિત કુલ આઠ આંચકાએ સૌરાષ્ટ્ર કચ્છની ધરતીના પેટાળમાં થયેલી ફરી સખળડખળથી લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળતો હતો.