દવાખાના, હોસ્પિટલોમાં દર્દીઓની ઓપીડીનું ભારણ ઓછું કરી લોકો ઘરે બેઠાં સારવાર મેળવી શકે તેવા શુભઆશયથી ભારત સરકાર દ્વારા દેશના અનેક રાજ્યોમાં ઈ-સંજીવની ઓપીડી કાર્યરત કરવામાં આવેલ છે. ગુજરાતમાં પણ આ સેવાનો શુભારંભ થઈ ચૂક્યો છે. આ ઈ-સંજીવની ઓપીડી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર માટે મહત્તમ લાભદાયી નિવડશે. આ મોબાઇલ એપમાં ટુ-વે વિડીયો કોલીંગની જે સુવિધા છે તેના પરિણામે દર્દી અને તબીબ વચ્ચે સંવાદ થવાથી ઇલાજમાં વધુ અસરકારકતા આવશે.
ખાસ કરીને દૂરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા દર્દીઓને આ એપ દ્વારા પોતાના ઘરે બેઠાં જ સારવાર થઇ શકશે. સારવાર માટે PHC / CHC / સરકારી હોસ્પિટલ કે દવાખાને જવું જ પડે એવી સ્થિતિમાંથી હવે લોકોને મુકિત મળશે. એટલું જ નહિ, આ એપના માધ્યમથી તબીબો યોગ્ય નિદાન કરી જરૂર જણાયે નિષ્ણાંત-તજજ્ઞ તબીબનો પણ અભિપ્રાય મેળવી તેની સલાહ મુજબ સારવાર કરી શકશે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ફોન પર પ્રાથમિક નિદાન અને સારવાર અને જાણકારી આપતી આ સેવા આધુનિક ટેકનોલોજીના આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ અને ટેલીમેડીસીનનું એક આગવું ઉદાહરણ છે. આ તમામ સેવા ગુજરાત સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવે છે.
ઈ-સંજીવની ઓપીડી એપ ડાઉનલોડ કરી તેનો ઉપયેાગ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઇલમાં પ્લે સ્ટોર ઉપર ક્લિક કરો. ત્યારબાદ સર્ચમાં જઇ ઈ-સંજીવની ઓપીડી એપ ટાઇપ કરી ઈ-સંજીવની ઓપીડી એપ સ્ક્રીન પર દેખાતા ઇન્સ્ટોલ બટન દાબી એપને ડાઉનલોડ કરો. આ એપ ડાઉનલોડ કર્યા પછી ઓપન બટન ઉપર ક્લિક કરી, ડોક્ટરને કન્સલ્ટ કરવા નીચે મુજબના પગલાંને અનુસરો.