ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દ્રોપદી મૂર્મુજીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાનું કરશે ખાતમુહૂર્ત

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2022 (14:46 IST)
રૂ.૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી ૬૦૦ બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ૨૫૫ બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે : રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે ૪૪૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે
 
જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગરમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીના હસ્તે આજે તા. ૩જી ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મંજૂરી મળતા નવી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાના બિલ્ડીંગનું આશરે રૂ.૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. નવી ૬૦૦ બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ૨૫૫ બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે. એટલું જ નહિ, રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે ૪૪૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
 
આ પ્રોજેક્ટ અંતર્ગત સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે તેમજ અદ્યતન મોડ્યૂલર કાર્ડિયાક ઓપેરશન થિએટર અને આઈ.સી.યુ જેમાં હૃદયને લગતી તમામ બીમારીઓનું નિદાન અને સારવાર પુરી પાડવામાં આવશે. 
 
કિડની સંબંધિત બીમારી માટે નેફ્રોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલીસીસ વોર્ડ બનાવવામાં આવશે. તેમાં કિડનીને લગતી તમામ પ્રકારની બીમારીઓનું નિદાન તેમજ સારવાર પુરી પાડવામાં આવશે. તે ઉપરાંત બર્ન્સ વિભાગમાં પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી જેવી ઉચ્ચ કક્ષાની સુવિધા આપવામાં આવશે. તેમજ શ્વાસના સંદર્ભિત બીમારીઓની પણ ઘનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે. ટ્રોમા સેન્ટર ખાતે તમામ પ્રકારની તાત્કાલિક સેવાઓ પુરી પાડવામાં આવશે. 
 
રેન બસેરામાં હોસ્પિટલમાં દાખલ કરેલા તમામ દર્દીઓના સગાઓ માટે રહેવા તથા જમવાની પુરતી સગવડ માટેનું સેન્ટર ઉભુ કરવામાં આવશે. આ હોસ્પિટલ વેન્ટીલેટેડ, નેચરલ કુલીંગ, પુરતા પ્રમાણમાં નેચરલ લાઈટીંગ વાળી બનાવવામાં આવનાર છે. જેથી મીનીમમ ઇલેક્ટ્રિસીટીની જરૂરિયાત રહેશે, તેમજ હોસ્પિટલના પ્લાનિંગ કરતી વખતે ગ્રીન બિલ્ડીંગના કન્સેપ્ટ આધારિત બાંધકામ અંગેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે.
 
એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર બનવાથી માત્ર ગાંધીનગર જિલ્લાનું જ નહિ પરંતુ આજુબાજુમાં વસતા જિલ્લાઓના નાગરિકોને પણ ઉચ્ચ સ્તરની આરોગ્ય તેમજ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે.

સંબંધિત સમાચાર

Next Article