નર્મદા જયંતિના પાવન અવસરે હજારો દિવડાઓ નદીમાં તરતાં મુકાયાં

Webdunia
શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (12:38 IST)
ભરૂચ અને નર્મદા જિલ્લામાં નર્મદા જયંતિના પાવન અવસરે વાતાવરણ નર્મદે હરના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. નદી કિનારે આવેલા દેવાલયો અને આશ્રમો ખાતે હજારો દિવડાંઓ તરતાં મુકવામાં આવ્યાં હતાં. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલાં ગાયત્રી મંદિર ખાતે અલખગીરી મહારાજના સાંનિધ્યમાં નર્મદા  જયંતિ મહોત્સવનું આયોજન કરાયું હતું. વહેલી સવારથી આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમોની  શરૂઆત થઇ હતી અને બપોરે નૌકાવિહારમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયાં હતાં. સુર્યાસ્ત થતાંની સાથે નર્મદા મૈયાની હજારો દીવાઓથી આરતી કરવામાં આવી હતી. જિલ્લાના અન્ય આશ્રમો ખાતે પણ નર્મદા જયંતિ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી હતી. શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે માતાજીના મંદિરે સવા મણ દુધનો અભિષેક કરાયો હતો.

અંકલેશ્વરમાં આવેલ પંચાતી બજાર ખાતે આવેલ નર્મદામાતા મંદિર ખાતે નર્મદા જયંતિ નિમિત્તે મહા આરતી યોજાઇ હતી.નર્મદા જિલ્લાના વસંતપુરા, ગોરા, ગુવાર, પોઇચા, રામપરા અને ગરૂડેશ્વર ખાતે પણ જન્મજયંતિ મહોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. નાવરા ગામે કેન્દ્રીય આદિજાતિ વિભાગના ડીરેકટર હર્ષદ વસાવાએ હાજરી આપી હતી. આમ બંને જિલ્લામાં મંદિરો,આશ્રમો અને ઘાટો નર્મદે  હરના નારાથી ગુંજી ઉઠયાં હતાં. નર્મદા જયંતિએ નર્મદાના કાંઠા વિસ્તારોમાં ભકતોના ભારે ધસારાના કારણે ભક્તિનો માહોલ છવાયો હતો.
Next Article