અરબી સમુદ્રમાં આ વર્ષે પ્રથમ ચક્રવાત બિપરજોય અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. તે 15 જૂન સુધીમાં ગુજરાતના કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાવાની ધારણા છે. આ દરમિયાન 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. IMD એ રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાગે ટ્વીટ કર્યું, ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય રવિવારે સવારે 5.20 વાગ્યે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું. તે પોરબંદરથી લગભગ 480 કિમી દૂર છે. દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ, દ્વારકાથી 530 કિ.મી. દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, કચ્છના નલિયાથી 610 કિ.મી. દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 580 કિ.મી. પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ કરાચી, પાકિસ્તાનથી લગભગ 780 કિમી દક્ષિણમાં કેન્દ્રિત હતું. એજન્સી
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી છ કલાકમાં બિપરજોય વાવાઝોડું 'અત્યંત પ્રચન્ડ ચક્રવાતી વાવાઝોડા'માં રૂપાંતરિત થવાની શક્યતા છે.
વિભાગ અનુસાર, બિપરજોય વાવાઝોડું પ્રચંડ રૂપે છેલ્લાં છ કલાકમાં 9 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. 11 જૂનના દિવસે સવારે 5:30 વાગ્યા સુધી તે મુંબઈથી 580 કિલોમિટર, પોરબંદરથી 420 કિલોમિટર, દ્વારકાથી 460 કિલોમિટર અને નલિયાથી 550 કિલોમિટર દૂર છે.
વાવાઝોડાની સ્થિતિને કારણે રાજ્યના કાંઠા વિસ્તારો વાતાવરણીય અસરો જોવા મળી રહી છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં ઝડપી પવન સહિત ભારેથી અતિ ભારે વરસાદના અનુભવો થઈ શકે છે.
વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં તકેદારીનાં પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે. સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વાવાઝોડાથી લોકોની સુરક્ષા અને ઓછામાં ઓછું નુકસાન સુનિશ્ચિત કરવા માટેનાં પગલાં લેવાઈ રહ્યાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 'બિપરજોય'ની વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે તીવ્ર અસરો અનુભવાઈ શકે છે.
આગામી પાંચ દિવસોની આગાહી પ્રમાણે લગભગ સમગ્ર ગુજરાતમાં આ સ્થિતિને કારણે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવો તેમજ અંતિમ દિવસોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.
આગામી સમયમાં વાવાઝોડાની તીવ્રતા વધવાની સાથે કાંઠા વિસ્તારોમાં ઝડપી પવનોનો અનુભવ પણ થશે.
આગાહી અનુસાર 12,13 અને 14 જૂનના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં પવનનો વેગ 40-50 કિમી પ્રતિ કલાકનો રહેશે.
પવનોની સાથે ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં આ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી શકે છે.
આગાહી અનુસાર 15 જૂને વાવાઝોડું ગુજરાતના કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી ખાતે લૅન્ડફૉલ કરી શકે છે. આ અનુસાર પ્રારંભિક શક્યતાઓ પ્રમાણે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં 14 અને 15 જૂને આગળ પવનની ગતિ જોર પકડી શકે છે.
14 જૂનના રોજ દ્વારકા અને કચ્છ જિલ્લામાં 55થી 75 કિમી પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાઈ શકે છે.
તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદમાં તેમજ દીવમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.
આ દિવસે સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે તેમજ ગુજરાતના અન્ય સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
તેમજ 15 જૂનના રોજ જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય રાજકોટ, પોરબંદર અને મોરબી જિલ્લામાં કેટલાંક સ્થળોએ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ ખાતે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
આ દિવસે પણ ગુજરાતનાં કેટલાંક સ્થળોએ 30થી 50 કિલોમિટર પ્રતિ કલાકના પવનો ફૂંકાશે.
પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં કેટલાંક સ્થળોએ 87 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ ઝડપી પવન સાથે ભારે વરસાદની આગાહી છે.
દ્વારકા, જામનગર અને કચ્છ ખાતે 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
તેમજ મોરબીમાં 100-120 કિમી પ્રતિ કલાક, પોરબંદરમાં 80-100 કિમી પ્રતિ કલાક, જૂનાગઢ અને ગીર સોમનાથમાં 60-80 કિમી પ્રતિ કલાક, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટા અને દીવ ખાતે 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે.
આ સિવાય રાજ્યમાં ઘણાં સ્થળોએ આગામી ચાર-પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ચારથી છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો અનુભવાઈ શકે છે.
આ વાવાઝોડું 14 જૂન સવારે વધુ ઉત્તર તરફ વધીને 15 જૂન, 2023ની બપોર સુધીમાં એક અતિ ગંભીર ચક્રવાતી તોફાનના કેન્દ્રબિંદુમાં 150 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપના પવન સાથે પરિવર્તિત થશે.
અરબ સાગરમાં છેલ્લા કેટલાક દિવસથી 'ચક્રવાતીય ગતિવિધિ' જોવા મળી રહી છે. ધીરે ધીરે શક્તિશાળી થઈ રહેલું બિપરજોય વાવાઝોડું આવનારા દિવસોમાં ગુજરાતના તટ પાસે ખૂબ નજીક આવી જશે.
અમરેલીથી બીબીસીના સહયોગી ફારુક કાદરીના જણાવ્યા અનુસાર, બિપરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે તેમ અમરેલી જિલ્લાના જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે.
બપોર બાદ ભરતી હોવાને કારણે હાલ દરિયામાં 30-30 ફૂટનાં મોજાં કિનારા સાથે અથડાઈ રહ્યાં છે.
ભારે વરસાદની ચેતવણી
વાવાઝોડાથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિને જોતાં ભારતીય હવામાન વિભાગે ગુજરાતના તટિય વિસ્તારોમાં માછીમારો માટે ઍડવાઇઝરી જારી કરી છે. માછીમારોએ 15 જૂન સુધી પશ્ચિમ-મધ્ય અરબસાગર અને 12થી 15 જૂન સુધી ઉત્તર અરબસાગર અને તેનાથી નજીકના મધ્ય અરબસાગર તરફ ન જવા કહેવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 15 જૂન સુધી માછીમારોને સમુદ્રતટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
ગુજરાતના કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
14 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમાં 15 જૂનના રોજ ભારેથી વધારે ભારે વરસાદ પડવાની અને વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે.
ભારે પવનો ફૂંકાવાની ચેતવણી
આ સમયગાળા દરમિયાન કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓમાં દરિયામાં તોફાની મોજાં ઊછળવાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર લગભગ બે મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે અને લૅન્ડફૉલના સમયે આ જિલ્લાઓમાં દરિયાકિનારે આવેલાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે.
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર ઘણાં મૉડલો બિપરજોય વાવાઝોડું શરૂઆતમાં ઉત્તર દિશા તરફ આગળ વધશે અને તે બાદ ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં પાકિસ્તાન-સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા તરફ આગળ વધશે.
વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિને જોતાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કાંઠા વિસ્તારોમાં માછીમારો માટે સલાહ જાહેર કરી છે.
જે મુજબ માછીમારોને આગામી 13 તારીખ સુધી મધ્ય અરબ સાગર અને 15 તારીખ સુધી ઉત્તર અરબ સાગરનું ખેડાણ ન કરવાનું જણાવાયું છે.
બિપરજોય વાવાઝોડા અંગે મહાપાત્રે ગુજરાત પર તેની અસર અંગે વાત કરતાં કહ્યું હતું કે રાજ્યના કાંઠા વિસ્તારોમાં આગામી દિવસોમાં પવનની વધુ ગતિનો અનુભવ થશે.
હાલ વાવાઝોડું ક્યાં છે?
ભારતીય હવામાનવિભાગની વેબસાઇટ અનુસાર ગુજરાતનાં તમામ બંદરો માટે 'વૉર્નિંગ' અપાઈ છે.
ઉપરાંત વાવાઝોડાની ગતિની દિશાને જોતાં પાકિસ્તાનમાં પણ સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે.
ડૉન ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ત્યાંની સરકારે શુક્રવારે સિંધ અને બલૂચિસ્તાનનાં તંત્રને 'વેરી સિવિયર સાયક્લૉનિક સ્ટોર્મ' બિપરજોયની દિશાને જોતાં ઍલર્ટ રહેવા જણાવ્યું છે.
આગળ નોંધ્યું એમ વાવાઝોડું પાકિસ્તાનના કાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
પાકિસ્તાનના હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ માર્ગદર્શિકા પ્રમાણે પાછલા 12 કલાકમાં બિપરજોય વાવાઝોડાએ દિશા બદલી છે અને તે દીમી ગતિએ ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.
આ વિશે માછીમાર સમુદાયના આગેવાન વેલ્જીભાઇ મસાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, હાલમાં પોરબંદર, સલાયા, જામનગર, અને કચ્છ જેવા વિસ્તારોમાં પવન ફૂંકાઇ રહ્યો છે. જો તે ગુજરાત પર ન ત્રાટકે તો પણ દરિયા કિનારે બંધાયેલી બોટને નુકસાન થવાની શક્યતા છે.