જીવલેણ કોરોના વાયરસનો કહેર રાજ્યમાં દિવસે-દિવસે વધી રહ્યો છે. જ્યારે તંત્ર પણ આ વૈશ્વિક મહામારી સામે લડવા દરેક યોગ્ય પગલા ભરી રહ્યું છે. આજે CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી અમદાવાદ બાદ સુરતના કેટલાક વિસ્તારોમાં આજ મધરાતથી કરફ્યૂની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે સુરતના 5 વિસ્તારમાં આજ મધરાતથી ફરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.
અશ્વિની કુમારે કહ્યું કે સુરતના અઠવા લાઈન્સ, મહિધરપુર, લિંબાયત પોલીસ સ્ટેશન, લાલગેટ અને સલાબતપુરમાં આજ રાતથી કરફ્યૂ લગાવવામાં આવશે. આ કરફ્યૂ દરમિયાન મહિલાઓને આવશ્યક ચીજવસ્તુઓ માટે છૂટછાટ આપવામાં આવશે. બપોરે 1થી 4 સુધી ફકત મહિલાઓને છૂટછાટ આપવામાં આવશે. લિંબાયત પોલીસ સ્ટેશનના કમરૂનગર પોલીસ ચોકી વિસ્તારમાં પણ કરફ્યૂ રહેશે. અશ્વિની કુમારે કહ્યું કે 22 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ અમલમાં રહેશે. તેમણે કહ્યું કે આ કરફ્યૂમાં લોકો અવર-જવર કરી શકશે નહીં. ઉપરાંત તેમણે જણાવ્યું કે ઉદ્યોગોને ધીમે-ધીમે 20મી એપ્રિલથી શરૂ કરવાની મંજૂરી અપાશે. 3 મે સુધી લોકડાઉનનું કડકપણે પાલન કરાવવામાં આવશે. આપણે જણાવી દઈએ કે રાજ્યમાં કોરોના વાયરસના કુલ 871 કેસ નોંઘાયા છે. જેમાં 64 સાજા થયા છે અને 36 દર્દીઓના મોત થયા છે.