ફ્રેન્ડશીપના વોટ્સએપ પર મેસેજ મોકલી લલચાવીને નાણા ખંખેરતી ગેંગ ઝડપાઈ, સુરતી ભાઈ-બહેન ઝડપાયા

Webdunia
મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (09:21 IST)
વોટ્સએપ પર મેસેજ મોકલીને લોકોને ફ્રેન્ડશીપ કરવા લલચાવીને ભાઈ-બહેનની નાણાં ખંખેરતી ગેંગને અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ, એલ.સી.બી ટીમ તથા સાણંદ પોલીસ સ્ટેશન ટીમે સંયુક્ત રીતે ઓપરેશન કરીને સુરતથી ઝડપી પાડ્યા છે. યુવક પાસે ફ્રેન્ડશીપ કરવાના બહાને 10 લાખ જેટલી રકમ ખંખેરી લેતા તેણે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. પોલીસે બંને ભાઈબહેનને ઝડપી પાડ્યા છે. જ્યારે તેમના 9 સાગરિતો ફરાર છે. અત્યાર સુધી 71 લોકોને તેમણે શિકાર બનાવ્યો હતો અને રૂ, 41 લાખ પડાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 24 ઓગસ્ટે એક નવીન પધ્ધતિથી ઓનલાઇન ફ્રોડ કરતી ટોળકીએ એક નાગરિક (નામ ગુપ્ત રાખેલ છે) સાથે ફ્રોડ કર્યું હતું. આ જે બનાવમાં ટોળકી દ્વારા યુવકને દોઢેક માસ અગાઉ એક મેસેજ મોકલેલો જેમાં જણાવવામાં આવેલું કે, જો તમે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવા માંગતા હોવ તો જણાવેલ નંબરે ફોન કરવો. યુવકે ફોન કરી ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવા જણાવતા ટોળકી દ્વારા ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવા રજિટ્રેશન કરાવવા ઓનલાઇન ખાતામાં રૂ. 2400 જમા કરાવ્યા હતા. ત્યારબાદ તેના વિઝિટિંગ કાર્ડ બનાવવા માટે રૂ.15,500 ત્યારબાદ ફ્રેન્ડશીપ ક્લબમાં સ્ત્રી મિત્ર બનાવી આપવા તથા તેની સાથે મુલાકાત કરાવવા માટે અલગ અલગ તારીખોએ રૂ. 50000, રૂ.1,49,300, રૂ.1,71,799, રૂ.1,50,000, રૂ.94,000, રૂ.4,12,500 એમ કુલ રૂ. 10,45,199 અલગ-અલગ ખાતાઓમાં ટોળકી દ્વારા યુવક પાસે ભરાવવામાં આવેલા હતા. યુવકને તેની સાથે ફ્રોડ થયાનું જાણ થતાં તેણે અમદાવાદ જિલ્લા સાયબર સેલનો સંપર્ક સાધેલો હતો. જે અનુસંધાને સાણંદ પોસ્ટેશનમાં 406, 420આઇ.ટી. એક્ટ કલમ 66સી, 66 ડી મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્યએ સાયબર ક્રાઇમ સેલ, એલ.સી.બીને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ફ્રોડ કરતી ટોળકીને તાત્કાલિક પકડી પાડવા એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.પાવરા, તથા પો.સ.ઇ. એસ.એસ.નાયરને સૂચના આપી હતી. ટેક્નિકલ સર્વેલન્સ આધારે અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ, એલ.સી.બી ટીમ તથા સાણંદ પોલીસ સ્ટેશન ટીમના માણસોએ ટોળકીની સુરત શહેર રીંગ રોડ, સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા પાસે સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્ષના પાંચમા માળે ઓફિસ નં 506 તથા સુરત શહેર વેસુ ઉધના-મગદલ્લા રોડ જે.એસ.અંબાણી સ્કૂલની સામે એસ.એન.એસ. બિજનસ પાર્કની ઓફિસ નં 305માં દરોડા કરતા ટોળકી જે સિસ્ટમ દ્વારા ઓનલાઇન ફ્રોડ કરતી હતી. તે લેપટોપ, ડેસ્કટોપ મળી કુલ કિંમત રૂ.51,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ટોળકીમાં સામેલ ભાઇ-બહેનની અટકાયત કરવામા આવી હતી.

સંબંધિત સમાચાર

Next Article