ગુજરાતમાં ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં રાજયની પ્રશંસા કરતા શાસકો એ કહેવાનું ભૂલતા નથી કે અહી બહેનો નવરાત્રીમાં ગરબે રમીને મધરાતે એકલી ઘરે જઈ શકે છે. રાજયમાં મહિલાઓની સલામતી સામે પ્રશ્ર્ન તો ઉભા થવા જ લાગ્યા છે. આ ખુદ સરકારી આંકડા કહે છે. રાજયના જેતે વિભાગે 2017ના જે ડેટા જાહેર કર્યા છે તે મહિલાઓ માટે રાજય કેવું અસલામત બનવા જઈ રહ્યું છે તેનો સંકેત આપતા જાય છે.
જેમાં રાજયનું સમાંતર પાટનગર ગણાતા અમદાવાદની હાલત સૌથી ખરાબ છે અને ગુજરાતના ક્રાઈમ કેપીટલનું બિરુદ મેળવી શકે તેમ છે. અમદાવાદમાં મહિલા સામેના તમામ અપરાધો જેમકે બળાત્કાર, છેડતી, સતામણી, દહેજ, મૃત્યુ અને ઘરેલુ હિંસાના કેસમાં વધારો થયો છે. ખુદ પોલીસ ડેટા કહે છે કે રાજયમાં રોજ 14 મહિલાઓ બળાત્કાર, સતામણી, દહેજ, હિંસા-જાતિય સતામણી, અપહરણ કે અત્યાચારનો ભોગ બને છે. જયાં રોજના આ પ્રકારના 6 કેસ તો ફકત અમદાવાદના જ છે. ગુજરાત શિક્ષિત અને આધુનિક મહિલાઓ માટે સમાન હકક જેવા કારણોથી જાણીતું બન્યું છે તેવા દાવા વચ્ચે અહીં દહેજ અંગેના કેસમાં જબરો ઉછાળો થયો છે. 2016માં આ પ્રકારના કેસ 86 હતા તે વધીને 656 થયો છે. અમદાવાદમાં શૂન્યમાંથી 133 થયા છે. રાજયના એડી. ડીજીપી સીઆઈડી ક્રાઈમ (સાયબર- વુમન સેલ) અનિલ પ્રધાનનો દાવો છે કે હવે મહિલાઓ જાગૃત બની છે તેઓ ગુન્હાની ગંધ પારખી લે છે અને તેથી તે આગોતરી ફરિયાદ પણ કરે છે. મહિલાઓ માટે 181ની હેલ્પલાઈન- ફ્રેન્ડસ ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ આ સહિતના પ્રોગ્રામ હેઠળ તેઓને સહાય કરીએ છીએ. મહિલાઓ ટેકનોલોજીનો ઉપયોગ તેની સુરક્ષા માટે પણ કરવો જોઈએ. જો કે મહિલા પોલીસ સ્ટેશનમાં પુરુષ પોલીસ અધિકારીઓ હોય છે જેથી મહિલાઓ તેની ફરિયાદો મુક્ત રીતે કરી શકતી નથી. મહિલા પોલીસ ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓ વધુ હોવી જોઈએ.જો શહેરોની વાત કરીએ તો રાજકોટમાં 2016માં બળાત્કારની 20 સામે 21 સતામણી 21 સામે 22 દહેજ વિરોધી અપરાધ શૂન્યમાંથી 36 અને દહેજ મૃત્યુ 2017માં નીલ રહ્યા છે.