અમદાવાદમાં કંપનીઓમાં છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યાં છે. માલની લે વેચ હોય કે કંપનીમાં ભાગીદારીની વાત હોય કોઈપણ પ્રકારે ખોટા કાગળો ઉભા કરીને ઠગાઈ આચરી વિશ્વાસઘાત કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં એક ખાનગી કંપનીમાં સગા દિયરે જ મશીનોની સબસીડી મેળવવા સારૂ ભાભીની બનાવટી પાવર ઓફ એટર્ની બનાવીને તેની એક નકલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે રજૂ કરી હતી. તે ઉપરાંત ભાભીના દીકરાએ કંપનીના હિસાબની માંગ કરતાં તેને નહી આપવા માટે અનેક પ્રકારના બહાના બતાવ્યા હતાં. જેમાં છેતરપિંડીની શંકા જતાં કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મુળ મુંબઈમાં રહેતા રંજનબેન પટેલ એક ખાનગી કંપનીમાં સ્લીપીંગ ભાગીદાર છે અને આ કંપનીમાં તેમના કાકા પણ વર્કિંગ પાર્ટનર છે. તેમની પાસે રંજનબેનના દીકરા હર્ષિતે કંપનીના હિસાબો માંગતાં કાકા કિશોરભાઈએ ઈનકાર કર્યો હતો. જ્યારે કંપનીના એકાઉન્ટન્ટે પણ બેલેન્સશીટ આપીને બીજા કોઈ દસ્તાવેજો આપ્યા નહોતા. તેઓ તેમના કાકા પાસે વિગતો માંગતા તેઓ બહાના બતાવતા અને હિસાબની વિગતો આપવાનું ટાળતા હતાં. જેથી કંઈ ખોટુ થયાની શંકા જતાં કચેરીમાં તપાસ કરતાં કિશોરભાઈએ રંજનબેનની ખોટી સહિથી પાવર ઓફ એટર્ની બનાવી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પાવર ઓફ એટર્નીની નકલ મેળવીને રાઈટીંગ એક્સપર્ટને મળીને તેની તપાસ કરાવી હતી. જ્યાં સહી ખોટી હોવાનો અભિપ્રાય આપ્યો હતો. જેથી કાકા કિશોરભાઈએ મશીનરી પર સબસીડી મેળવવા ખોટી પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કર્યો હોવાનું જણાતા કારંજ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. પેઢીના ખાતામાં 10 લાખ રૂપિયાની સબસીડી મંજુર થયેલી હતી. કાકાએ ખોટી સહી બનાવડાવીને નોટરી પાસે ખોટી રીતે નોટરાઈઝ કરાવીને પાવર ઓફ એટર્ની તૈયાર કરાવડાવી હતી. જેથી રંજનબેનના પુત્રએ કારંજ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે.