કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે 10 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવા માંગ કરી

Webdunia
બુધવાર, 12 ઑક્ટોબર 2022 (09:16 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. રાજકીય પક્ષો હવે ચૂંટણીના મેદાનમાં ઉતરી ગયાં છે. આ વખતે ગુજરાતમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ નથી. પરંતુ આમ આદમી પાર્ટી અને અસાદુદ્દિન ઓવૈસીની પાર્ટી AIMIMની સક્રિયતાથી કોંગ્રેસને મોટુ નુકસાન જાય તેમ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ ખરેખર અવઢવમાં મુકાઈ ગઈ છે. કોંગ્રેસ માટે મુસ્લિમ મતદારોની સાચવી રાખવા હિન્દુ મતદારો ખોવા પોસાય તેમ નથી. તે છતાંય કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે ગુજરાતમાં 10 મુસ્લિમ ઉમેદવારોને ટીકિટ આપવા માંગ કરી છે.
 
ગુજરાત વિધાનસભામાં હાલ કોંગ્રેસના ત્રણ મુસ્લિમ ધારાસભ્યો છે. દરિયાપુર વિધાનસભા બેઠક પરથી ગ્યાસુદ્દીન શેખ, જમાલપુર-ખાડિયા પરથી ઇમરાન ખેડાવાળા અને વાંકાનેર વિધાનસભા બેઠક પરથી મોહમદ જાવેદ પીરઝાદા છે. 2017માં કોંગ્રેસે 7 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, ત્યારે આ વખતે 10 ઉમેદવારોની માંગણી થઈ રહી છે. જેમાં હાલના 3 ધારાસભ્યોની દરિયાપુર, જમાલપુર-ખાડીયા અને વાંકાનેર. આ સિવાય ગોધરા, વાગરા, વેજલપુર, ધોળકા, સુરત પૂર્વ, જામનગર પૂર્વ અને કચ્છની માંડવી અથવા અબડાસા બેઠકની માંગ કરાઈ છે.
 
AAP અને AIMIMની વધતી સક્રિયતા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ 10 મુસ્લિમ ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં ટીકિટ આપવામાં આવે તેવી માંગણી કરી છે. દલિત, પાટીદાર, ઠાકોર, આદિવાસી સહિતના સમાજો વસ્તીના આધારે ટિકિટની માંગણી કરી શકતા હોય તો લઘુમતી સમાજ શા માટે વસ્તી આધારે ટિકિટની માંગણી ના કરી શકે એ પ્રશ્ન ઉઠાવતા ગ્યાસુદ્દિન શેખે હાઈકમાન્ડને કહ્યું કે, રાજ્યમાં વસ્તી આધારે લઘુમતી સમાજના 18 ઉમેદવારો જીતી શકવાની સ્થિતિ એ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની દરેક બાબતે હિન્દુ-મુસ્લિમ રંગ આપવાની રાજનીતિના કારણે અમે કોંગ્રેસ સમક્ષ માત્ર 10 બેઠકોની માંગણી કરી છે.

સંબંધિત સમાચાર

Next Article