રાજ્યમાં વરસાદનો સિલસિલો સતત ચાલુ છે. રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં છ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જૂનાગઢ જૂનાગઢ શહેર અને તાલુકામાં 38 મીમી (દોઢ ઇંચ) વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના સ્થળોએ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જૂનાગઢ ઉપરાંત અમરેલી જિલ્લાના વડિયામાં 34 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદ શહેરમાં 32 મીમી, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં 30 અને નવસારી જીલ્લાના ખેડગામ તાલુકામાં 27 મીમી વરસાદ નોંધાયો છે.
10 તાલુકાઓમાં 12 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાંથી મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં 24, જામનગરના કાલાવડ, ડાંગના સુબીરમાં 22, વડોદરા શહેરમાં 21, ડાંગ જિલ્લાના વઘઈમાં 19, વડોદરાના કરજણ તાલુકામાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 40 તાલુકાઓમાં એક મિલિમીટરથી માંડીને 11 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘો વરસ્યો હતો. ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે, તો પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ થઈ છે. કોતરોમાં ફરી વહેણા વહેતા થયા છે. તો વલસાડમાં બીજા દિવસે વરસાદી માહોલ છે. સુરતના ઓલપાડ તાલુકામાં મેઘ મહેર થયુ છે, કીમમાં વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. વણઝારઘોડી ગામ પાસે પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા લોકોમાં અચાનક આશ્ચર્ય ફેલાયું હતું. અચાનક ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે નદીના કેચમેન્ટ વિસ્તારમાં ચાલતા કોઝવે અને પુલની કામગીરી ખોરંભે ચડી હતી. પૂર્ણા નદી સહિત કોતરોમાં વરસાદના નવા નીર વહેતા જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા 15 જૂન સુધીમાં ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.