Gujarat weather report - રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, જાણો ક્યાં છે કેટલું તાપમાન

Webdunia
સોમવાર, 30 ડિસેમ્બર 2019 (13:08 IST)
સમગ્ર રાજ્યમાં સૂર્ય ગ્રહણ બાદ ઠંડીમાં ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી ઓછુ નોંધાયું છે. નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ બન્યું. તો ભુજમાં 7.2 ડિગ્રી, કંડલામાં 9 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી અને ડીસામાં 8.7 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 10.8 અને અમદાવાદમાં 12.5 ડિગ્રી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. લોકો દિવસે પણ ગરમ કપડાંમાં સજ્જ જોવા મળ્યા હતા. સાંજે અને વહેલી સવારે લોકો ઘરમાં પુરાઈ રહેતા બજારો સુની પડી ગઇ હતી.
 
ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં પવનની બદલાયેલા દિશાના કારણે તાપમાન ઘટ્યું હતું. ત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એક જ રાતમાં તાપમાન 4 ડિગ્રી ઘટી જતા અનેક જગ્યાએ બરફ જામ્યો હતો. શુક્રવારના માયનસ એક ડિગ્રીથી શનિવારના સીધું માયનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા ઠેર ઠેર બરફના પડો છવાયેલા રહ્યા હતા. ખુલ્લા પડેલા પાણીના બાઉલો અને ખુલ્લા મેદાનો સહિત હવે પાણીના નળમાં પણ બરફ છવાયો હતો.
 
નવું વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આગામી 30 ડિસેમ્બરે પશ્ચિમી હિમાલય અને કાશ્મીરને અસર પહોંચાડશે. જેથી 31મીથી 2 જાન્યુઆરી સુધી ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેથી બેથી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ઠંડી છવાયેલી રહે તેવી શક્યતા છે.
 
આજે કચ્છના શહેરોનું તાપમાન 2 ડિગ્રી જેટલું નીચે આવ્યું છે. તો ભૂજ અને નલિયાના તાપમાનમાં 1 ડિગ્રીનો જ તફાવત જોવા મળ્યો છે. કચ્છના આજના તાપમાન પર નજર કરીએ તો નલિયા 6 ડિગ્રી, ભૂજ 7.2 ડિગ્રી તથા કંડલા(એ) 9 ડિગ્રી છે.

સંબંધિત સમાચાર

Next Article