પેટ્રોલ અને ડીઝલનો ભાવ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે,રાજ્યમાં અન્ય ચીજોના ભાવો સ્થિર છે,થોડા દિવસોમાં બધું સારું થઇ જશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોજગાર મેળાનાં કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરી હતી
સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ વધારો લોકોને દઝાડી રહ્યો છે. પેટ્રોલ હાલ 100 રૂપિયાની આસપાસ એક લિટર મળી રહ્યું છે. આ ભાવો વધવાને કારણે મોંઘવારી પણ બેફામ વધી રહી છે. ગુજરાતમાં આગામી સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ અંકુશમાં આવે તેવી શક્યતાઓ છે. મુખ્યમંત્રી રૂપાણીએ ભાવ વધારા અંગે સંકેત આપ્યાં છે. તેમણે સુરતમાં રોજગાર મેળાના કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે થોડા દિવસોમાં બધું સારુ થઈ જશે.
પેટ્રોલ અને ડીઝલનો ભાવ હાલ આંતરરાષ્ટ્રીય સમસ્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોજગાર મેળાનાં કાર્યક્રમ બાદ પત્રકારો સાથે કરેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,પેટ્રોલ-ડીઝલના ભાવો વધ્યા છે. તે ક્રૂડના ભાવોમાં થયેલા વધારાને આધારિત છે. રાજ્યમાં અન્ય ચીજોના ભાવોમાં સ્થિરતા છે. કોંગ્રેસના સમયમાં ન તો રોટી મળતી હતી કે ન તો દાળ, આ સાથે સ્ટિલ અને સિમેન્ટ પણ ગાયબ હતા. આજે ગુજરાતમાં આવી પરિસ્થિતિ નથી. પેટ્રોલ અને ડીઝલનો ભાવ હાલ આંતરરાષ્ટ્રીય સમસ્યા છે. થોડા દિવસોમાં બધું સારું થઇ જશે.
અગાઉ નીતિન પટેલે પણ નિવેદન આપ્યું હતું
તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે અનેક મહત્વના મુદ્દે સ્પષ્ટતા કરી હતી. જેમાં દરેક સામાન્ય વર્ગને
અસર કરતા પેટ્રોલ ડીઝલની કિંમતો પર તેમણે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે પેટ્રોલ ડીઝલની ઘટતી કિંમતો અંગે જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલ ઉપર ઓછામાં ઓછો વેટ લેનારા
રાજ્યો પૈકીનું એક માત્ર ગુજરાત રાજ્ય છે. બીજા કોઈ રાજ્ય વિચારણા કરશે ત્યારે રાજ્ય સરકાર પણ વિચારણા કરશે. આખા દેશમાં પેટ્રોલ-ડીઝલ ઉપરનો પરનો જે ટેક્સ છે તે
ગુજરાતમાં સૌથી ઓછો છે. આમાં ઘટાડો કરવાની કોઇ જ શક્યતા નથી. જેથી પેટ્રોલ ડીઝલની કિંમતો પર પેટ્રોલ કંપનીઓ રાહત આપે તો જ સુધારો શક્ય છે. જો કે અન્ય કોઇ
રાજ્યો દ્વારા ઘટાડો કરવામાં આવે તો આ અંગે અમે પણ વિચારીશું.
આજે અમદાવાદમાં પેટ્રોલ 98.54- ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર છે
આજે અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર છે. સુરતમાં પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર છે. વડોદરામાં પેટ્રોલ
98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર ભાવ છે.દેશમાં ઓછામાં ઓછા 19 રાજ્ય
તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે.