શ્રાવણ માસની પૂર્ણાહૂતિનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે હવે લોકો શિવપુત્ર ગણેશને આવકારવા થનગની રહ્યાં છે. રાજ્યભરમાં ગણેશોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 31 ઓગસ્ટનાં રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેર ઠેર વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બોટાદ જિલ્લામાં ગણપતિ બાપ્પાની ઈકો ફ્રેંડલી મૂર્તિની માંગ વધી છે.
બોટાદ જિલ્લામાં દર વર્ષે વિવિધ વિસ્તારોમાં મોટા આયોજનોની સાથોસાથ હજારો પરિવારો ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી પૂજા અર્ચના કરે છે. ગણેશ ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે. બોટાદમાં ગણેશજીની અવનવી મૂર્તિઓનું આગમન થઈ ગયું છે. ત્યારે આ વર્ષે પણ મહત્તમ ગણેશભક્તો ઈકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરે તેપર્યાવરણ અને આરોગ્યની દ્રષ્ટિએ હિતાવહ છે.
ઇકો ફ્રેન્ડલી મૂર્તિના ફાયદા:
• પીઓપીની મૂર્તિઓની સરખામણીમાં માટીની મૂર્તિઓ પર્યાવરણને નુકસાન કરતી નથી.
• ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળી જાય છે.
• ઈકો ફ્રેન્ડલી ગણપતિને સુંદર બનાવવા માટે કાચા અને કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ન તો પાણી દૂષિત થાય છે કે ન તો કોઈ બીમારી ફેલાવાનો ભય રહે છે.
• પીઓપી અને પ્લાસ્ટિકની મૂર્તિઓમાં હાનિકારક કેમિકલથી બનેલા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રંગો સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ હાનિકારક છે. જ્યારે પીઓપીમાંથી બનાવેલી મૂર્તિનું વિસર્જન કરવાથી પાણીની ગુણવત્તા બગડે છે.
• મૂર્તિઓના રાસાયણિક રંગોથી પાકને પણ ઘણી અસર થાય છે.દૂષિત પાણીથી ઉગાડવામાં આવતા શાકભાજીની સાથે સાથે હાનિકારક તત્વો પણ ઘર-ઘર સુધી પહોંચે છે.
તો આ વખતે આપણે સંકલ્પકરીએ કે ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરીએ અને આપણા પર્યાવરણ અને પરિવારનું જતન કરીએ.