મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં આઠ નવા મંત્રીઓનો સમાવેશ કરાશે, કર્ણાટક ચૂંટણી પછી વિસ્તરણની શક્યતાઓ

Webdunia
બુધવાર, 12 એપ્રિલ 2023 (13:32 IST)
કર્ણાટકની વિધાનસભા ચૂંટણી બાદ ગમે ત્યારે CM ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરે એવી શક્યતા છે. સૂત્રો મારફત પ્રાપ્ત વિગત અનુસાર, હાઇ કમાન્ડે આ માટે ગુજરાત સરકારને આદેશ આપી દીધો છે. મુખ્યમંત્રીના વર્તમાન મંત્રીમંડળમાં વધુ 8 નવા મંત્રી ઉમેરાઈ શકે છે, જોકે હાલના મંત્રીઓમાંથી કોને પડતા મુકાશે એ અંગે સ્પષ્ટતા નથી.ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી મુખ્યમંત્રીએ પોતાના મંત્રીમંડળમાં માત્ર 16 મંત્રીને સરકારમાં સમાવ્યા હતા. 156 ધારાસભ્યમાંથી માત્ર 17 સભ્ય ધરાવતા નાના કદના મંત્રીમંડળને કારણે ભાજપના બાકીના ધારાસભ્યોમાં નારાજગી ઊભી થઈ હતી.હવે અન્ય ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં તક આપીને આ નારાજગી ખાળવાનો પ્રયત્ન ભાજપ સરકાર કરશે. નવા મંત્રીઓ પૈકી એક મહિલા ધારાસભ્ય પણ હશે તથા હાલના મંત્રીમંડળના પ્રતિનિધિત્વ ન ધરાવતા જિલ્લાના ધારાસભ્યોને પણ મોકો મળશે. છેલ્લા કેટલાય સમયથી મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ સંગઠન કક્ષાએથી સરકારના બોર્ડ અને નિગમોમાં નિમણૂકો માટેનો તખતો ઘડાયો હોવા છતાં હુકમો થયા નથી, પરંતુ નવા મંત્રીમંડળની શપથવિધિ સાથે

આ કામ પણ ઉકેલાઈ જશે.ગુજરાતના મંત્રીમંડળમાં મહત્તમ 27 સભ્ય હોઈ શકે છે. હાલ મુખ્યમંત્રી ઉપરાંત 16 મંત્રી સહિત 17 સભ્ય હોવાથી વધુ 10 સભ્યનો સમાવેશ કરી શકાય છે. હજુ પણ 15 જિલ્લા એવા છે, જ્યાંથી ચૂંટાયેલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં કે અન્ય સરકારી હોદ્દા પર નિયુક્ત કરાયા નથી. જો 8 નવા મંત્રી આવે તો પણ 7 જિલ્લા પ્રતિનિધિત્વ વગરના રહી જાય. આ સંજોગોમાં ધારાસભ્યો પક્ષના સંગઠન અને સરકાર પર મુખ્યમંત્રીના સંસદીય સચિવપદે નિયુક્તિઓ કરવા માટે દબાણ સર્જી રહ્યા છે. સંસદીય સચિવનો હોદ્દો રાજ્યકક્ષાના મંત્રીથી એક પાયરી નીચો હોય છે, પરંતુ તેમને સુવિધાઓ અને પગારભથ્થા લગભગ સમકક્ષ મળે છે.

સંબંધિત સમાચાર

Next Article