બરોડા ડેરીના 3 કેન્દ્ર બહાર 16,888 રૂપિયાના દૂધના કેરેટની ચોરી, તસ્કર કોથળો ભરીને રફૂચક્કર

Webdunia
ગુરુવાર, 6 જુલાઈ 2023 (14:08 IST)
વડોદરામાં બરોડા ડેરીના દૂધના 3 કેન્દ્રો પર દૂધ ભરેલા કેરેટ્સની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં 16,888 રૂપિયાની કિંમતની અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ દૂધની થેલીઓની ચોરી થઈ છે. ત્રણેય કેન્દ્ર પર દૂધના કેરેટની ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં એક તસ્કર દૂધની થેલીઓ સ્કૂટરમાં મૂકતો દેખાય છે. આ ત્રણેય કેન્દ્ર પર એક જ શખસે દૂધના કેન્દ્રો પર ચોરી કરી હોવાનું ખુલ્યું છે. ગોત્રી પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. દૂધ કેન્દ્રમાં દૂધની ચોરી કરનારા આરોપી મોહંમદ કેફ દરબારની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે.

ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. કે. ગુર્જરે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં આરોપીએ જણાવ્યું હતું કે, રૂપિયાની જરૂરિયાત હોવાથી તેણે દૂધની ચોરી કરી હતી અને તે દૂધ ચોરી કરીને છૂટકમાં વેચી દેતો હતો.વડોદરાના ભાયલી રોડ પર અક્ષર ઉપવનમાં રહેતા મુકેશ બાલાભાઈ મકવાણાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું સણા-ભાયલી રોડ પર આનંદ વિલા કોમ્પ્લેક્ષમાં શ્રીજી ફરસાણ નામની દુકાન અને બરોડા ડેરીનું કેન્દ્ર ચલાવું છું. અમારા બરોડા ડેરીના કેન્દ્ર પર રોડ સવારે 6 વાગ્યે બરોડા ડેરીથી દૂધ ભરેલી કેરેટો દૂધના ટેમ્પાવાળા આવીને મૂકી જાય છે અને હું સવારે 8 વાગ્યે દુકાને આવું છું અને દુકાનની બહાર મૂકેલી દૂધના કેરેટ ચેક કરી લઉ છું. પરંતુ ગત 28 જૂનના રોજ રોજની જેમ ટેમ્પાવાળો દૂધના કેરેટ મૂકીને ગયો હતો. ત્યારબાદ હું સવારે 8 વાગ્યે દુકાન પર આવ્યો હતો. મેં દૂધના કેરેટ ચેક કરતા અમૂલ ગોલ્ડના 4 કેરેટ અને અમૂલ શક્તિના 4 કેરેટ ઓછા હતા.જ્યારે બરોડા ડેરીનો ટેમ્પો ખાલી કેરેટ પરત લેવા આવ્યો, ત્યારે તેને મેં દૂધના ઓછા કેરેટ બાબતે પૂછ્યું હતું. જેથી તેણે જણાવ્યું હતું કે, મેં તો ઓર્ડર પ્રમાણે પૂરેપૂરા કેરેટ તમારા કેન્દ્ર પર મૂક્યા હતા. જેથી મને ખાતરી થઈ હતી કે, દૂધના કેરેટની ચોરી થઈ છે. અમૂલ ગોલ્ડના એક કેરેટનો ભાવ 748 રૂપિયા છે અને અમૂલ શક્તિના એક કેરેટનો ભાવ 678 રૂપિયા છે. આમ 2892 રૂપિયાની અમૂલ ગોલ્ડ દૂધની થેલીઓ અને 1356 રૂપિયાની અમૂલ શક્તિ દૂધની થેલીઓની ચોરી થઈ હતી. આ સમગ્ર ઘટના કેન્દ્રના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં એક ચોર દૂધના કેરેટ ચોરતો દેખાયો હતો.આ ઉપરાંત ઓલ્ડ પાદરા રોડ પર રહેતા બહાદુર ખડગ બીષ્ટ ઓલ્ડ પાદરા રોડ પર રાજલક્ષ્મી કોમ્પ્લેક્ષની સામે ખુલ્લામાં બરોડા ડેરીનું કેન્દ્ર ચલાવે છે. તેમને ત્યાંથી 27 જૂનના રોજ અમૂલ ગોલ્ડના 4 કેરેટ અને અમૂલ શક્તિના 2 કેરેટની ચોરી થઈ હતી. આમ 2892 રૂપિયાની અમૂલ ગોલ્ડ દૂધની થેલીઓ અને 1356 રૂપિયાની અમૂલ શક્તિ દૂધ થેલીઓની ચોરી થઈ હતી. આ સમગ્ર ઘટના કેન્દ્રના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

સંબંધિત સમાચાર

Next Article