વાવાઝોડું બિપરજોય હજુ વધુ ખતરનાક બનશે, ગુજરાતમાં કયા દિવસથી અસર શરૂ થશે?

Webdunia
શુક્રવાર, 9 જૂન 2023 (12:44 IST)
biparjoy cyclone
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય નામનું વાવાઝોડું હજી વધારે તાકતવર બનશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હવે આ વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને પછી તે વળાંક લેશે અને પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. 9 જૂનની સવારની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું પોરબંદરના દરિયાકિનારાથી 870 કિલોમીટર દૂર છે અને 2 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે.
 
અરબી સમુદ્રમાં સર્જાયેલા આ તાકતવર વાવાઝોડાને લઈને ગુજરાતમાં પણ સાવચેતીનાં પગલાં લેવાનાં શરૂ કરી દેવામાં આવ્યાં છે અને સતત તેના પર નજર રાખવામાં આવી રહી છે.  આ વાવાઝોડું હજી વધારે તાકતવર બને તેવી સંભાવના છે અને પવનની ગતિ પ્રતિ કલાકના 170 કિલોમીટર સુધી પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે.
એકાદ બે દિવસમાં ગુજરાતના દરિયાકાંઠે પણ તેની અસર શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
 
વાવાઝોડું ગુજરાત તરફ આવશે કે નહીં?
6 જૂનના રોજ અરબી સમુદ્રમાં બિપરજોય નામનું વાવાઝોડું સર્જાયું હતું. જે બાદ હજી પણ તેના લૅન્ડફોલ વિશે કોઈ સ્પષ્ટતા નથી. એ ક્યાં ત્રાટકશે તે નક્કી કરી શકાયું નથી. હવામાન વિભાગે પણ હજી દરિયામાં આગળ વધે એટલી જ માહિતી આપી છે અને આખરે વાવાઝોડું ક્યાં જશે તેના વિશે કોઈ માહિતી આપી નથી.
 
હવામાન વિભાગનું જે વેધર મૉડલ છે તે મુજબ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થઈને પાકિસ્તાનના કિનારા તરફ જાય તેવી શક્યતા છે. જ્યારે ECMWFનું જે વેધર મૉડલ છે તે એવું દર્શાવી રહ્યું છે કે વાવાઝોડું પાકિસ્તાનના દરિયાકાંઠે અને ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. એટલે કે ગુજરાતની સાવ પાસેથી નીકળશે.
જ્યારે NCEP GFS મૉડલ એવું દર્શાવી રહ્યું છે કે આ વાવાઝોડું આગળ વધીને ઈરાન તરફ જતું રહેશે. આ જ કારણ છે કે હજી સુધી નક્કી થઈ શક્યું નથી કે વાવાઝોડું કઈ તરફ જશે.
 
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવતા 48 કલાક સુધી વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને તે બાદ વળાંક લઈને તે ઉત્તર-પશ્ચિમ તરફ વળશે.
 
ગુજરાતમાં ફુંકાશે ઝડપી પવન?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 9 જૂનથી જ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શરૂ થઈ જશે. ગુજરાતના દરિયાકાંઠે લગભગ 45થી 55 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા દેખાઈ રહી છે. હાલની સ્થિતિને જોતાં આશરે 13થી 14 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠે ઝડપી પવન ફુંકાય તેવી શક્યતા છે. આ સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પણ બદલવાનું શરૂ થઈ જશે.
 
9થી 14 જૂન સુધી હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠાને સાવચેત કરી દેવાયો છે અને માછીમારોને દરિયોના ખેડવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડાનો કોઈ સીધો ખતરો દેખાતો નથી પરંતુ જો સ્થિતિ બદલાય તો તંત્ર સાવધ થઈ ગયું છે.
 
વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર ઍલર્ટ
- મીડિયા અહેવાલો મુજબ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરના દરિયાકિનારાના જિલ્લાના કલેક્ટરે શરૂ કરી તૈયારી.
-  ગંભીર પરિસ્થિતિમાં લોકોના બચાવકાર્યને લઈને યોજના અને પ્રભાવિત વિસ્તારોમાં બ્લૉક સ્તરે છાવણીની તૈયારીઓને લઈને અધિકારીઓ સાથે કરી ચર્ચા.
-  ગુજરાતના દરિયાકિનારે બધે 2 નંબરનું સિગ્નલ
-  પોરબંદરમાં 295 શાળાને વાવાઝોડા સમયે છાવણીમાં ફેરવી દેવાની વ્યવસ્થાને લઈને અપાઈ સૂચના
- કચ્છમાં વાવાઝોડાની સ્થિતિમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓ, દવાઓ છાવણીમાં મળી રહે તે માટે પણ અપાઈ સૂચના

સંબંધિત સમાચાર

Next Article