ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર મુખ્ય મંત્રીપદના શપથ લેશે. આ શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં હાજરી આપવા માટે ગઈ કાલે જ ગુજરાતમાં આવી ગયા છે.
ભૂપેન્દ્ર પટેલની સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે અને આ માટે કેટલાક ધારાસભ્યોને ફોન દ્વારા જાણ કરાઈ હોવાનું પણ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. ગાંધીનગરમાં બપોરે બે વાગ્યે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ શપથવિધિ સમારોહ યોજાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જીતના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે અને 182માંથી 156 સીટ મેળવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આ સતત સાતમી જીત છે. કૉંગ્રેસને 17 અને આપને પાંચ બેઠકો મળી છે. ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સહિત શુક્રવારે રાજ્યપાલને રાજીનામું સોપ્યું હતું જેથી નવી સરકારની રચના માટે રસ્તો સાફ થઈ શકે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. ત્યારે શપથની આગલી રાત્રે ગાંધીનગર કમલમમાંથી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબહેન બાબરીયા, બચુ ખાબડ અને જગદીશ પંચાલ સહિતના નેતાઓને ફોન કરવામાં આવ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત આવ્યા બાદ ગાંધીનગર ખાતે મંત્રીમંડળના સભ્યોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ મોડી રાત્રે ગાંધીનગર કમલમમાંથી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબહેન બાબરીયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપુત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમાર સહિતના નેતાઓને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના બંને ચહેરાઓને સ્થાન મળશે.
02:17 PM, 12th Dec
ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા
ભૂપેન્દ્ર પટેલે ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમણે ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ અવસર પર 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ખુદ પીએમ નરેન્દ્ર મોદી પણ મંચ પર હાજર છે.
11:04 AM, 12th Dec
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે અમદાવાદ પહોંચ્યા બાદ કહ્યું કે, "ભાજપનો સાથ આપવા માટે ગુજરાતના લોકોનો આભાર વ્યક્ત કરું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળ ગુજરાતે ઇતિહાસ રચ્યો છે. હું ભાજપના દરેક કાર્યકરનો આભાર વ્યક્ત કરું છું."
10:55 AM, 12th Dec
ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ સીટ મળી છે, જેમાં જામજોધપુર, વીસાવદર, ગારિયાધાર, બોટાદ અને ડેડિયાપાડાનો સમાવેશ થાય છે.
ભૂપેન્દ્ર ભાયાણી (વીસાવદર), ઉમેશ મકવાણા (બોટાદ), હેમંત આહીર (જામજોધપુર), સુધીર વાઘાણી (ગારિયાધાર) અને ચૈતર વસાવા આપના પાંચ ધારાસભ્યો છે.
10:54 AM, 12th Dec
મંત્રી મંડળ માં હજુ સુધી આ ધારાસભ્યો ને જગ્યા નથી મળી