ભૂપેન્દ્ર પટેલ અને પાટીલે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો, 12મીએ શપથવિધી

શનિવાર, 10 ડિસેમ્બર 2022 (15:34 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવ્યા બાદ આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યાં છે. ધારાસભ્ય દળની બેઠકમાં સર્વ સંમત્તિથી ભૂપેન્દ્ર પટેલના નામ પર સહમતિ આપવામાં આવી હતી. હવે ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે ગાંધીનગરમાં રાજભવન પહોંચીને રાજ્યપાલ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો કર્યો છે. બીજી તરફ ભાજપ દ્વારા પણ નવી સરકારની શપથવિધી માટે કવાયત તેજ કરી દીધી છે. 
 
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ચાર વાગ્યે દિલ્હી જવા રવાના થશે. બંને જણા હાઈકમાન્ડ સાથે બેઠક કરશે અને તેમાં ગુજરાતમાં મંત્રીમંડળની યાદીને લઈને ચર્ચાઓ કરશે. ત્યાર બાદ કેબિનેટની યાદી મંજુર થશે. દિલ્હીમાં જ ગુજરાતના મંત્રીમંડળ માટે આખરી નિર્ણય લેવાય તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરવામાં આવી છે.આ ત્રણેય નિરીક્ષકો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારશે. ધારાસભ્ય દળની બેઠકમાં પણ આ નિર્ણય લેવાઈ 
શકે છે. 
 
શપથવિધીમાં ભાજપના સ્ટાર પ્રચારકો ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ હવે નવી સરકારની શપથવિધી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાશે. જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપમાં પણ કમલમ ખાતે નવી સરકારની શપથવિધીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. નવી સરકારમાં કોને મંત્રી પદ મળશે તેની પણ ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે. 
 
ગુજરાતમાં ભાજપે 40થી વધુ સ્ટાર પ્રચારકોને ઉતાર્યા હતાં
ગુજરાતની ચૂંટણીમાં ભાજપે પ્રચાર માટે કાર્પેટ બોમ્બિંગ કર્યું હતું. આ માટે 40થી વધુ પ્રચારકોએ એક સાથે એક જ સમયે ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. ભાજપે જાહેર કરેલા સ્ટાર પ્રચારકોમાં PM મોદી,ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, UPના CM યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, MPના CM શિવરાજસિંહ ચૌહાણ, આસામના CM હેમંત શર્મા બિસ્વા સહિતના 40 નેતાઓને સ્ટાર પ્રચારકો મેદાનમાં હતાં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર