CM Of Gujarat: પ્રચંડ બહુમતી બાદ 12 ડિસેમ્બરે ભાજપ 7મી વખત સરકાર બનાવશે, ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં આ 20 નેતાઓને મળી શકે છે સ્થાન
શનિવાર, 10 ડિસેમ્બર 2022 (12:03 IST)
CM Of Gujarat: ગુજરાતમાં 156 બેઠકો સાથે ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. 12 ડિસેમ્બરે ભાજપ રાજ્યમાં સાતમી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે. પાર્ટીના નેતા ભૂપેન્દ્ર પટેલ અન્ય 20 કેબિનેટ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી પદના શપથ લે તેવી શક્યતા છે. ગુજરાતમાં ભાજપની જંગી બહુમતીથી જીત થઈ છે. જીત બાદ સમગ્ર ગુજરાતમાં ઉજવણીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની ચાલુ સરકારનું રાજીનામું આપવા માટે રાજભવન પહોંચ્યાં હતાં. તેમની સાથે હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યપાલે ભૂપેન્દ્રભાઈની સરકારનું રાજીનામું સ્વીકારી લીધું હતું.ભાજપની સરકાર બનતાં જ હવે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ 12મી ડિસેમ્બરે શપથ લેશે.
ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં આ નેતાઓને મળી શકે છે સ્થાન
નવા મંત્રીમંડળના નામોને કવાયત તેજ છે એવામાં નવા અને જૂના ચહેરાઓમાંથી પસંદગી અંગે આજની બેઠકમાં ચર્ચા થઇ હતી. જેમા સિનિયર નેતાઓમાં હર્ષ સંઘવી, ગણપત સિંહ વસાવાના નામો ચર્ચામાં છે. ત્યાં જ રમણ વોરા, રાઘવજી પટેલ, જયેશ રાદડિયાના નામો ચર્ચામાં છે. તો સિનિયન નેતા કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકીના નામો પણ મંત્રી મંડળમાં ચર્ચામાં છે.
સૂત્રોના અનુસાર ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં ઋષિકેશ પટેલ, કિરીટસિંહ રાણા, કનુ દેસાઈ, જગદીશ પંચાલ, જીતુ વાઘાણી, શંકર ચૌધરીનું ચર્ચામાં છે. નવા ચેહરોમાં કૌશિક વેકરિયા, મહેશ કસવાલાના, અલ્પેશ ઠાકોર, ભગા બારડ, ઉદય કાનગડ, શંભુ પ્રસાદ ટુંડિયા, કેતન ઇનામદારનું પણ નામ રેસમાં છે.
ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું
ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ, હર્ષ સંઘવી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હૃષિકેશ પટેલ અને ગુજરાતના મુખ્ય દંડક પંકજ દેસાઈ રાજીનામું આપવા રાજભવન પહોંચ્યા હતા. જણાવી દઈએ કે રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. આજે શનિવારે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ તેના ધારાસભ્ય દળની બેઠક યોજવા જઈ રહી છે, ત્યારબાદ તમામ નેતાઓ બપોરે 2 વાગ્યે રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
શપથવિધિમાં PM મોદી, સહિત ચૂંટણીના આ સ્ટાર પ્રચારકો ઉપસ્થિત રહેશે
આગામી 12મી ડિસેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પટેલના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના સીએમ પણ હાજરી આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જે દિવસે ભૂપેન્દ્ર પટેલ સીએમ તરીકે શપથ લેશે, તે જ દિવસે 20 કેબિનેટ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે અને બીજા જ દિવસથી પોતપોતાના કાર્યાલયનો ચાર્જ સંભાળશે.
ભૂપેન્દ્ર પટેલ જંગી મતોથી જીત્યા
ભૂપેન્દ્ર પટેલે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. તેમણે આ વખતે કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને હરાવ્યાં છે. અમીબેનને માત્ર 21120 મત મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીને ઘાટલોડિયા બેઠક પર 15902 મત મળ્યાં છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ 191360ની લીડથી વિજેતા બન્યાં છે.