ગાંધીજીની વાતને માનીને કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએઃ વજુભાઈ વાળા

શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (15:23 IST)
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. ગુજરાતમાં મળેલી જીતથી હવે ભાજપે લોકસભાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યપાલને ઔપચારિક રાજીનામું આપીને નવી સરકાર રચવાનો દાવો કર્યો છે. હવે 12મી ડિસેમ્બરે ગુજરાતમાં ભાજપની નવી સરકાર શપથ લેશે. આ દરમિયાન રાજકોટમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે, હવે ગાંધીજીની આ કોંગ્રેસનું વિસર્જન કરી નાંખવું જોઈએ. 
 
કોંગ્રેસનો એક પણ કાર્યકર લોકો માટે સક્રિય નથી
તેમણે રાજકોટમાં પત્રકારોને જણાવ્યું હતું કે, આ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી છે. જેના કારણે ભાજપને આ જીત મળી છે. તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસની લોકોની વચ્ચે જઈને કોઈ કામગીરી દેખાતી જ નથી. ચૂંટણી આવે એટલે કોંગ્રેસ લોકોની વચ્ચે આવે છે. કોંગ્રેસનો એક પણ કાર્યકર લોકો માટે સક્રિય નથી. જેથી મારે કોંગ્રેસને કોઈ સલાહ આપવી ના જોઈએ. 
 
હવે કોંગ્રેસનું વિસર્જન કરી નાંખવું જોઈએ
તેમણે ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીની વાત માનીને હવે કોંગ્રેસનું વિસર્જન કરી નાંખવું જોઈએ. ભાજપની વિચારધારા અને નીતિ સૌ જાણે જ છે. પાયાનો કાર્યકર લોકોની વચ્ચે જઈને કામ કરતો હોય છે. પાર્ટી પણ જે સક્રિય થઈને કામ કરે છે તેને મોકો જરૂર આપે છે. પાર્ટીની વિચારધારા અને નીતિઓને આધિન ભાજપનો કાર્યકર કામગીરી કરતો હોય છે. જ્યારે કોંગ્રેસનો એક પણ કાર્યકર લોકોની વચ્ચે જઈને કંઈ કરતો નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર