મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામેલા પ્રાચીન નગર સંસ્કૃતિ ની વિરાસત ધરાવતા ધોળાવીરાની રવિવારે મુખ્ય સચિવ પંકજકુમાર સાથે મુલાકાત લીધી હતી. તેમણે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેકટર પ્રવિણા,આર્કયોલોજીના અધિકારીઓ, એપીએમસી ભુજના ચેરમેન કેશુભાઈ પટેલ, એકલ માતા મંદિરના મહંત દેવનાથ બાપુ અને અન્ય અધિકારીઓ સાથે ધોળાવીરાના વિવિધ સ્થળો અને પ્રાચીન નગર રચના વગેરે રસ પૂર્વક નિહાળ્યા હતા.
મુખ્યમંત્રીએ ધોળાવીરામાં પુરાતન સમયમાં સુઆયોજિત નગર રચના અને ખાસ કરીને તત્કાલીન સમયે વરસાદી પાણીના સંગ્રહ માટે, જળ સંચય માટેની જે વ્યવસ્થાઓ હતી તેની પણ જાણકારી પુરાતત્વ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી.તેમણે પુરાતત્વ વિભાગ દ્વારા ધોળાવીરા ની આ પ્રાચીન ધરોહર ના અવશેષો, પુરાતત્વીય વસ્તુઓ ની જાળવણી માટે ના મ્યુઝિયમ ની મુલાકાત લઈને પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ અહી વસતા જાણકારો સાથે પણ વાતચીત કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે વિઝીટ બુકમાં પોતાનો પ્રતિભાવ નોંધતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો ની સફળતા ને પરિણામે હવે આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળતા વૈશ્વિક સ્તરે જે મહત્વ વધ્યું છે. તે સંદર્ભમાં રાજ્ય સરકારે પણ આ પ્રાચીન વિરાસતનું મૂળ સત્વ અને તત્વ જાળવી રાખીને સમયાનુકુલ વિવિધ વિકાસ કામોનું આયોજન હાથ ધર્યું છે. ગુજરાતને વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રીને ધોળાવીરાની 5000 વર્ષ જુની આ ધરોહરની વિશેષતાઓ અને હજુ સંસ્કૃતિ દર્શનની અનેક સંભાવનાઓ તેમજ પ્રવાસીઓને મળી રહેલી માહિતી સહિતની સમગ્રતયા વિગતો પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના પૂર્વ નિયામક યદુવીરસિહ રાવતે આપી હતી