પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે રૂ. ૧૬૬.૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ગુજરાતના વિશિષ્ટો રેલ્વે ઓવરબ્રિજનું ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યુ હતું. આ ઉપરાંત છાપી અને જગણા રેલ્વે ઓવરબ્રિજ તથા થરાદ અને લાખણી વિશ્રામગૃહનું નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ હતું. જે માટે કાર્યકર્તાઓની ભીડ જામી હતી. જેને લઈને લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ પ્રસંગે ઉડીને આંખે વળગે એવી બાબત એ હતી કે, આ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયું નહતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલ રેલ્વે ફાટક હાલમાં દિવસમાં ૫૮ વખત બંધ કરવામાં આવે છે. અહીંથી દિલ્હી-મુંબઇ કોરીડોર પસાર થવાથી રેલ્વેની માલગાડીઓ માટે ૪ લેન રેલ્વે ટ્રેક બનાવવાની કામગીરી ચાલું છે. જેથી આગામી દિવસોની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ત્રણ બાજુથી અવર-જવર કરી શકાય તેવો ગુજરાતનો વિશિષ્ટ રેલ્વે ઓવરબ્રિજ બનશે. જેનાથી પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યાને નિવારી શકાશે.
આ પ્રસંગે બનાસકાંઠા સંસદ સભ્ય પરબતભાઇ પટેલ, ધારાસભ્ય સર્વ શશીકાંતભાઇ પંડ્યા, કિર્તીસિંહ વાઘેલા, મહેશભાઇ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ. બી. વસાવા, કલેકટર સંદીપ સાગલે સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.