પંચમહાલના વેજલપુરમાં લગ્નના વરઘોડામાં વરરાજાએ બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું, એક યુવાન ખુલ્લી તલવાર લઇને નાચ્યો

Webdunia
સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (12:59 IST)
પંચમહાલ જિલ્લાના વેજલપુરના ખરસાલીયા ગામે વરઘોડામાં વરરાજાનો બદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થયો છે. વરઘોડામાં અન્ય એક યુવાન ખુલ્લી તલવાર લઇને નાચતા પોલીસ હરકતમાં આવી છે અને બંને સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વાઇરલ વીડિયોમાં ફાયરિંગ કરતો વરરાજા આર્મીમાં સિપાઈ તરીકે ફરજ બજાવતો અંકિત ભરતભાઇ સોલંકી હોવાનું બહાર આવ્યું છે. રાત્રે નીકળેલા વરઘોડામાં વરરાજા હાથમાં બંદૂક લઇને હવામાં ફાયરિંગ કરતો અને તેની સાથે અન્ય એક યુવક હાથમાં તલવાર લઇને નાચી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

આ વાઇરલ વીડિયો પોલીસ પાસે પહોંચતા પોલીસ એક્શનમાં આવીને વાઇરલ વીડિયોની ખરાઇ કરતાં વેજલપુરના ખરસાલીયા ગામે રહેતાં ભરતભાઇ ઉદાભાઇ સોંલકીના પુત્ર અંકિતભાઇ સોલંકીના લગ્નના વરઘોડાનો વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું હતું. વાઇરલ વીડિયોમાં આર્મીમાં સિપાઈ તરીકે ફરજ બજાવતો અંકિત ભરતભાઇ સોલંકીએ બારબોરવાળી બંદૂકથી લોકોના જીવ જોખમાય તે રીતે હવામાં ફાયરિંગ કર્યું હતું અને તેની સાથેનો યુવાન જયદીપ અરવિંદભાઇ સોલંકી હાથમાં ખુલ્લી તલવાર લઇને અન્યને ઇજાઓ થાય તેવી રીતે નાચતો હતો. પોલીસે તપાસ કરતાં અંકિત સોલંકી જે બારબોરવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું તે બંદૂક કોની છે. તે હજુ પોલીસને જાણવા મળ્યું નથી. પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનમાં વરરાજા અંકિતભાઇ સોલંકી અને તેની સાથેના જયદીપભાઇ સોલંકી વિરુદ્ધ આર્મ એક્ટ સહિતની કલમનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

સંબંધિત સમાચાર

Next Article