ગુજરાતમાં રેવન્યુ સ્ટેમ્પની કૃત્રિમ અછત સર્જાઇ, પોસ્ટ ઓફિસોમાં લોકોને ધક્કા

Webdunia
મંગળવાર, 24 મે 2022 (11:43 IST)
નાની કિંમત હોવા છતાં મોટું કામ કરતી એક રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પની ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લા એક સપ્તાહથી કૃત્રિમ અછત સર્જાઈ છે. નવા નાણાકીય વર્ષથી આવેલા કેન્દ્ર સરકારના નિયમોમાં થયેલા ફેરફારોને કારણે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં હાલ રેવન્યુ સ્ટેમ્પ ઉપલબ્ધ નથી. એને કારણે ઘણા લોકોનાં ટ્રાન્ઝેકશન અટકી ગયાં છે. પરિણામસ્વરુપે નાગરિકો પરેશાન થઈ ગયા છે, જોકે આ સમસ્યાનો આગામી બે દિવસમાં નિકાલ થઈ રેવન્યુ સ્ટેમ્પ રાબેતા મુજબ મળતી થઈ જશે, એવો પોસ્ટ ઓફિસના અધિકારી તરફથી દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાતની અંદાજે 9 હજાર પોસ્ટ ઓફિસમાંથી સ્ટેમ્પનું વેચાણ થાય છે. એ જ રીતે એક રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પનું પણ રેગ્યુલર વેચાણ થાય છે. સરકારી નિયમ મુજબ, 5 હજાર કે તેથી વધુ રકમના વ્યવહારમાં રેવન્યુ સ્ટેમ્પ લગાવવી જરૂરી છે, જોકે ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં એની જરૂર પડતી નથી. કંપની તેમ જ સરકારી કચેરીઓમાં પણ પગાર ડાયરેકટ બેંકમાં જમા થતો હોવાથી આ માથાકૂટમાંથી તેમનો છુટકારો થવા પામ્યો છે, પરંતુ કંપની અને કોન્ટ્રેકટર વચ્ચેનાં ટ્રાન્ઝેકશન અથવા તો પછી LICમાં પાકતી મુદતે ભરવામાં આવતા વાઉચરમાં, કંપનીઓ અને નાની પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓનો 5 હજારથી વધુ પગાર હોય તો વાઉચર પર રેવન્યુ સ્ટેમ્પ પર સહીઓ કરીને જ રકમ ચૂકવવામાં આવે છે. LICમાં ચેકથી કે રોકડથી પ્રીમિયમ ચૂકવો તોપણ તેના તરફથી રેવન્યુ સ્ટેમ્પ મારેલી પહોંચ આપવામાં આવે છે.

પોસ્ટ ઓફિસનાં સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આવેલી 9 હજાર પોસ્ટ ઓફિસમાંથી દર વર્ષે 5 કરોડની કિંમતની રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ થાય છે. આમ તો પોસ્ટ ઓફિસ તરફથી અન્ય સ્ટેમ્પો પોતે જ બહાર પાડે છે. તે છાપે છે તેમ જ વેચાણ પણ કરે છે, પરંતુ રેવન્યુ સ્ટેમ્પ તેઓ રાજ્ય સરકાર પાસેથી ખરીદે છે. એ બદલ તેમને કમિશન ચૂકવવામાં આવે છે. તાજેતરમાં જ એટલે કે 1લી એપ્રિલ-2022થી કેન્દ્ર સરકારમાં બજેટરી જોગવાઇમાં થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે, એટલે કે જે-તે બજેટ હેડ હેઠળ જ વસ્તુની ખરીદી કરવાનો નિયમ લાદવામાં આવ્યો છે. તે બજેટ હેડ હેઠળ જ સરકાર તરફથી બજેટની ફાળવણી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article