શહેરના પૂર્વ વિસ્તારમાં હથિયાર બતાવી લૂંટનો સિલસિલો યથાવત રહ્યો છે. વસ્ત્રાલ રિંગ રોડ પર હથિયાર બતાવી રોકડ નહિ પરંતુ ગાડીની લૂંટ કરવામાં આવી છે. બાઈક પર આવેલા ત્રણ શખ્સ કારમાં બેઠેલા શખ્સને નીચે ઉતારી બે શખ્સ કારમાં બેસી ફરાર થઈ ગયા હતા. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી શ્રીનગર સોસાયટીમાં રહેતા અને જામનગરથી ફરનેશ ઓઇલ મંગાવી કમિશન પર વેપાર કરતાં અજયભાઈ મહેતાના ભાઈ નીતિનભાઈ ગુરુવારે રાતે રાજકોટથી અમદાવાદ પરત આવવાના હોવાથી તેમની ગાડી લઈ તેમના ભત્રીજા સાથે વસ્ત્રાલ રિંગ રોડ પાસે ગયા હતા. નીતિનભાઈ આવતા જ અજયભાઈ કારમાં બેઠા હતા અને તેમનો ભત્રીજો તેના પિતાને લેવા ગયો હતો. દરમ્યાનમાં બાઈક પર ત્રણ શખ્સ આવ્યા હતા. તેઓએ એક્સપ્રેસ વે ક્યાં આવ્યો પૂછ્યું હતું.
અજયભાઈએ સામે જ છે એવું કહેતા જ બે શખ્સ નીચે ઉતરી એક શખ્સ પાછળ અને બીજો આગળ ડ્રાઈવર સીટમાં આવી બેસી ગયો હતો. ગન જેવું હથિયાર કાઢી લાફો મારી ચલ નીચે ઉતર નહિ તો ગોળી મારી દઈશ એવું કહ્યું હતું. જેથી અજયભાઈ નીચે ઉતરી જતા. કાર અને બાઈક લઈ લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. રામોલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.