ધોરણ 10 અને 12ની પરીક્ષા 10મી મે ની આસપાસ લેવાય તેવી શક્યતા

શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (11:54 IST)
ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધોરણ10 અને 12ની સ્કૂલો શરૂ કરવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે,જયારે બોર્ડની 10 અને 12 ની પરીક્ષા ની જાહેરાત આવતા અઠવાડિયામાં થઈ શકે છે, બોર્ડની પરીક્ષા 10 મે ની આસપાસથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
 
 આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં 10.05 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.30 લાખ અને વિજ્ઞાન પ્રવાહના 1.50 લાખ વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે તેવું શિક્ષણ બોર્ડના અધિકારીઓ જણાવી રહ્યા છે,અગાઉ શિક્ષણ બોર્ડે અભ્યાસ ક્રમમાં 30 ટકાનો ઘટાડો જાહેર કર્યો હતો અને તે મુજબ પરીક્ષાની પેટર્નમાં પણ ધરખમ ફેરફાર કર્યો હતો. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજવામાં આવે છે પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષે કોરોના મહામારીના કારણે પાછી ઠેલાઈ છે.
આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે પરીક્ષા કેંદ્રોની સંખ્યા 5,500થી વધારીને 6,700 કરવામાં આવશે. પરિણામે પરીક્ષા ખંડોની સંખ્યા પણ 60,000થી વધીને 75,000 થશે. આશરે 60 ટકા પરીક્ષા કેંદ્રો ગ્રામ્ય વિસ્તારોમાં છે.
પરીક્ષાની નવી પેટર્ન પ્રમાણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 50% ગુણભાર ઓ.એમ.આર. પ્રશ્નોનો અને 50% ગુણભાર લાંબા સવાલોના જવાબનો રહેશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઓબ્જેક્ટિવ પ્રશ્નોનો ગુણભાર 30% થશે,જે અગાઉ 20 ટકા હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર