જાણો લોકડાઉનના ૧૩માં દિવસની સ્થિતી, N-95 માસ્કનું ઉત્પાદન થયું શરૂ

Webdunia
મંગળવાર, 7 એપ્રિલ 2020 (11:04 IST)
વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ની સારવાર માટે આવશ્યક વેન્ટીલેટરના રાજકોટની જ્યોતિ CNC દ્વારા ઉત્પાદનની સફળતાને પગલે ગુજરાતે વધુ બે ઉપકરણો-સાધનોના નિર્માણ-ઉત્પાદનથી દેશને નવો રાહ ચીંધ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા સાથોસાથ આ રોગની સારવાર માટેના ઉપકરણો સાધનો રાજ્યમાં ઉત્પાદિત થાય અને ગુજરાત આ વિકટ વેળાએ દેશનું રાહબર બને તે માટે તંત્રવાહકોને ઉપકરણ ઉત્પાદકો સાથે સંકલન માટે પ્રેરિત કર્યા હતા.
 
અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, કોરોનાના રોગગ્રસ્તોની સારવાર-સુશ્રષામાં રોકાયેલા તબીબો, મેડીકલ સ્ટાફને પર્સનલ પ્રોડકશન ઇકવીપમેન્ટ કિટનો અવશ્ય ઉપયોગ કરવો પડે છે. આવા ઇકવીપમેન્ટ કિટની વિશ્વભરમાં ખૂબ માંગ છે ત્યારે ગુજરાતમાં તેની પૂરતી ઉપલબ્ધિ થાય એટલું જ નહિ, ગુજરાતમાં ઉત્પાદિત આ કિટ કોરોના રોગગ્રસ્તોની સારવારમાં જોડાયેલા દેશના અન્ય તબીબો-મેડીકલ સ્ટાફને પણ મળી રહે તે માટે અરવિંદ મિલ્સ લીમીટેડ સાંતેજ અને સ્યોર સેફટી વડોદરા દ્વારા તેનું ઉત્પાદન થઇ રહ્યું છે.
 
તેમણે એમ પણ જણાવ્યું કે, કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપક થતું અટકાવવા અને આ સંભવિત રોગ સંક્રમિતોની તપાસ સારવાર કરતા તબીબોને સેલ્ફ સેફટી માટે N-95 માસ્કની જરૂરત રહે છે. આવા N-95 માસ્કનું ગુજરાતમાં ઉત્પાદન કરવા માટે આઇ.આઇ.ટી. કાનપૂર પાસેથી ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા સેલ્યુઝ પ્રોડકટસ ચાંગોદર દૈનિક રપ હજાર માસ્કનું ઉત્પાદન કરે છે.
 
રાજ્યમાં ચાર મહાનગરોમાં ડેડીકેટેડ કોરોના-કોવિડ હોસ્પિટલ કાર્યરત થઇ છે. હવે રાજ્યના ર૯ જિલ્લામથકોએ ૧૦૦ બેડની આવી કોવિડ હોસ્પિટલ તાત્કાલીક ધોરણે ટૂંક જ સમયમાં આગામી ૪-પ દિવસમાં શરૂ થાય તેની સંપૂર્ણ દેખરેખ અને વ્યવસ્થાઓ માટે ત્રણ વરિષ્ઠ સચિવોની કમિટીને મુખ્યમંત્રીશ્રીએ જવાબદારી સોંપી છે. 
 
આ સંદર્ભમાં વન-પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાના વડપણમાં અગ્ર સચિવ જે.પી.ગુપ્તા અને મૂકેશકુમારને જવાબદારી સોંપી છે. રાજ્યમાં લોકડાઉનની ૧૩માં દિવસની સ્થિતીની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યમાં સોમવારે ૧૯૯ લાખ લીટર દૂધની આવક અને ૪૬ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. 
૬પ૩ર૭ કવીન્ટલ શાકભાજીનો જે આવરો થયો છે તેમાં બટાટા ૧૬૯૭૧, ડુંગળી ૧૮૩ર૭ અને અન્ય લીલા શાકભાજી ર૪૯૭પ કવીન્ટલ છે. ૩૯૯ કવીન્ટલ સફરજન, ૧૩૧૮ કવીન્ટલ કેળાં અને ૧રર૯૯ અન્ય ફળફળાદિ સાથે ૧૪૦૧૭ કવીન્ટલ ફળોની આવક થઇ છે.
 
તેમણે રાજ્યમાં પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં પણ નગરો-મહાનગરોના વોર્ડસ-શેરીઓમાં સાફ સફાઇ જળવાઇ રહે તે માટે સ્થાનિક સત્તાતંત્રના આયોજનની પણ વિગતો આપી હતી. ૮ મહાનગરો અને ૧૬ર નગરપાલિકાઓના ૧૪૦૬ વોર્ડઝમાં ડોર ટુ ડોર કલેકશન, શેરી સફાઇ વગેરે માટે ૪૦ હજારથી વધુ સફાઇકર્મીઓ ફરજરત છે. 
 
નાગરિકો-પ્રજાજનોને હાલની સ્થિતીમાં પણ જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો સરળતાએ ઘેર બેઠા મળી રહે તે માટે નગરો-મહાનગરોમાં મળીને કુલ ૮૬૭ સુપર માર્કેટસને હોમ ડીલીવરી માટે પરવાનગી આપવામાં આવી છે. આ માટે ૩પ૧૧ વાહનોની અવર-જવર માટે પણ મંજુરી અપાઇ છે. રાજ્યમાં ૧૬૦૪૩ કરિયાણા સ્ટોર્સ તથા પેટ્રોલ-ડિઝલ માટે ૮૪૮ ફિલીંગ સ્ટેશન્સ પણ નાગરિકોની સગવડતા માટે કાર્યરત રહ્યા છે. રાજ્યમાં નિરાધાર, નિ:સહાય, વૃદ્ધો અને એકલવાયું જીવન જીવતા તથા જરૂરતમંદ વ્યકિતઓને પ્રવર્તમાન સ્થિતીમાં બે ટાઇમ ભોજન પુરૂં પાડવા સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી અત્યાર સુધીમાં પ૦ લાખ ૮પ હજાર ફૂડ પેકેટસ વિતરણ થયા છે તેની પણ માહિતી આપી હતી.

સંબંધિત સમાચાર

Next Article