ગુજરાતમાં AAPએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, રણનીતિ માટે બેઠક બોલાવી

Webdunia
બુધવાર, 4 જાન્યુઆરી 2023 (12:21 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતાં. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની રેલીમાં સેંકડો લોકો જોડાતા હતાં. તે છતાં પણ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી જેવા નેતાઓને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં રાજકીય નિષ્ણાંતોના મતે આમ આદમી પાર્ટીના કારણે જ કોંગ્રેસને કારમો પરાજય મળ્યો છે. પરંતુ હવે આગામી લોકસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ફરીવાર સક્રિય થઈ ગઈ છે. આજે સંગઠનને મજબૂત કરવા તેમજ આગળના કાર્યક્રમો માટે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની એક બેઠક મળી હતી. ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યાં છે. એક સમયે કેજરીવાલ ગુજરાતમાં સત્તા પરિવર્તનનું સપનું જોતા હતાં અને જાહેર મંચ પરથી અનેક ગેરંટીઓ આપતાં હતાં પરંતુ તેની કોઈ જ અસર આ ચૂંટણીમાં જોવા મળી નથી. પરંતુ હવે પાર્ટી ફરીવાર લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. તે ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઝંપલાવે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ આજે એક બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરી હતી. તેમજ સંગઠનને વધુ મજબૂત કરવા માટે શું કરવું જોઈએ તેની વિગતો મેળવી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના આગળના કાર્યક્રમો તેમજ સંગઠનમાં વધુ મજબૂતી લાવવાના આયોજન સંદર્ભે મિટિંગ મળી હતી. તેમણે મીટિંગના કેટલાક ફોટો પણ ટ્વિટર પર ટ્વીટ કર્યાં હતાં. હાલમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી લડીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવી લીધો છે. ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીએ વીસાવદર, ગારિયાધાર, જામજોધપુર, બોટાદ અને ડેડીયા પાડા બેઠક પરથી જીત મેળવી છે. ડેડિયાપાડા બેઠક પરથી જીતનાર ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્ય તરીકે એક પછી એક મુદ્દાઓને ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમણે પાણી અને વીજળી સહિતના મુદ્દે તંત્રને ચીમકી આપીને લોકોને સુવિધાઓ આપવા માટે જણાવ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article