ગુજરાતમાં AAP ના 5 ધારાસભ્યો ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે દિલ્હીમાં કેજરીવાલને મળ્યા

શુક્રવાર, 16 ડિસેમ્બર 2022 (09:54 IST)
ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના તમામ 5 નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ બુધવારે પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને નવી દિલ્હીમાં મળ્યા હતા. આ બેઠકમાં પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સાથે 'આપ' ગુજરાત યુનિટના તમામ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ગુજરાત ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમએ પણ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.
 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રાજ્યની તમામ 182 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પાર્ટીએ દાવો કર્યો હતો કે તે સત્તામાં આવશે. જો કે અહીં ભાજપે રેકોર્ડ જીત નોંધાવી હતી. AAP માત્ર 5 સીટો જીતી શકી. જેમાં જામ જોધપુર, વિસાવદર, ગારીયાધાર, દેડિયાપાડા અને બોટાદની બેઠકોનો સમાવેશ થાય છે. દરમિયાન, પાર્ટીને લઈને એવી પણ અફવા હતી કે તેના ચૂંટાયેલા તમામ પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.
 
પાર્ટીના પાંચ ધારાસભ્યોની વાત કરીએ તો બોટાદથી ઉમેશ મકવાણા, દેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા, સુરેન્દ્ર નગર જિલ્લાની ગારિયાધાર બેઠક પરથી સુધીર વાઘાણી, જામનગર જિલ્લાની જામ જોધપુર બેઠક પરથી સામાજિક કાર્યકર ભૂપતભાઈ ભાયાણી અને હેમંત ભુવા જીત્યા છે. વચ્ચે એવા અહેવાલ પણ આવ્યા હતા કે આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.
 
તમને જણાવી દઈએ કે ગુજરાતની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે ઘણી રીતે ખાસ હતી. પરિણામ આવતાની સાથે જ પાર્ટીને જે વોટ ટકાવારી મળી, તેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 40 લાખથી વધુ વોટ મળ્યા હતા. આ કુલ મતોના લગભગ 13 ટકા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર