અમરનાથ ગયેલા વધુ એક ગુજરાતીનું મોત - પહેલગામમાં અચાનક ઊલટીઓ શરૂ થતાં તેમને સ્થાનિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા આજે પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે વડોદરા ખાતે લાવવામાં આવશે
વડોદરાઃ તાજેતરમાં જ અમરનાથ યાત્રામાં ખરાબ હવામાનને કારણે ફસાયેલા ગુજરાતીઓએ વીડિયો જાહેર કરીને સરકારની મદદ માંગી હતી. આ અરસામાં વડોદરા અને ભાવનગરના નાગરીકોના મોત થયાનું પણ સામે આવ્યું હતું. ત્યારે હવે વધુ એક વડોદરાના અમરનાથ યાત્રીનું મોત થયાનું સામે આવ્યું છે. વડોદરાના એક યુવાનને દર્શન કરે તે પહેલાં જ હાર્ટ એટેક આવતાં તેનું મોત નિપજ્યું હતું.
યુવાનને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આવેલ પીતાંબર પોળમાં રહેતો 32 વર્ષીય યુવાન ગણેશ કદમ અમરનાથ યાત્રાએ ગયો હતો. અમરનાથ પહોંચીને દર્શન કરે તે પહેલાં જ તેનું પહેલગામ હોસ્પિટલમાં 3 હાર્ટએટેક આવતાં મોત થયું છે. તેમને પહેલગામમાં અચાનક ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી અને સ્થાનિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા અને ત્રીજો એટેક આવતા તેમનું મોત થયું હતું. આજે પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે વડોદરા ખાતે લાવવામાં આવશે.અમરનાથની યાત્રામાં મૃત્યુ પામેલા 32 વર્ષના યુવાનને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે.
અગાઉ પણ બે યાત્રીઓના મોત થયા હતાં
અગાઉ પણ 20 દિવસ પહેલાં જ નીતિનભાઇ કહારનું પણ અમરનાથ યાત્રામાં મોત થયું હતું.આ પહેલાં અમરનાથમાં વરસાદ અને બરફના વિઘ્ન વચ્ચે ઓક્સિજન લેવલ ઘટી ગયા બાદ ઘોડા પરથી પડી જતાં વડોદરાના વેમારી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને કાર્ગો પ્લેનમાં શ્રીનગરથી વાયા મુંબઇથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. રાજેન્દ્રભાઈની અંતિમયાત્રામાં સ્વયંભૂ આખું ગામ જોડાયું હતું. અકાળે અવસાન થતાં આખું ગામ શોકમગ્ન બની ગયું હતું.