ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના અમલમાં, જાણો કેટલી સહાય ચૂકવાશે

Webdunia
સોમવાર, 1 જુલાઈ 2024 (18:32 IST)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે,તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે.
 
મહત્તમ રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય અપાશે
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે.આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂ. ૧૦૦૦ લાખની રકમ ફાળવવામાં આવી છે. 
 
ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા નવી યોજના અમલી
આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે.પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂરી છે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાના અમલીકરણથી આગામી ૫ વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે ૫૦૦૦ હેકટર વિસ્તારનો વધારો થશે.આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય DBTના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article