સરકારી સ્કૂલના શિક્ષિકા ચાલુ પગારે 8 વર્ષથી અમેરિકામાં રહે છે, ગ્રીનકાર્ડ પણ મેળવી લીધું

Webdunia
શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (18:40 IST)
school
ગુજરાતમાં શિક્ષણ વિભાગની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાની પાન્છા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી વિદેશમાં સ્થાઈ થયાં છે પરંતુ હજી સુધી શાળામાં તેમની ફરજ ચાલુ હોવાની વિગતો મળી છે. આ કિસ્સો સામે આવતાં જ શિક્ષણ વિભાગ સામે સવાલો ઉભા થયાં છે. 
 
શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનાબેન પટેલ પાન્છા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. તેઓ છેલ્લા આઠેક વર્ષથી વિદેશમાં સ્થાઈ થયાં છે અને તેમની ફરજ હજી સુધી શાળામાં બોલે છે.તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાવનાબેન નામના શિક્ષિકા ના તો પાંછા પ્રાથમિક શાળામાં હાજર થઈ રહ્યા છે ના તો રાજીનામું મૂકી રહ્યા છે. જેને લઇને શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય સાથે રમત કરતો આ કિસ્સો ચર્ચાએ ચડ્યો છે.
 
ઈન્ચાર્જ આચાર્યએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં અરજી કરી
શાળામાં ઈન્ચાર્જ આચાર્ય પારૂલબેને શિક્ષણમંત્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં અરજી કરી છે છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે બાળકોનો અભ્યાસ અને ભવિષ્ય સામે સવાલો ઉભા થયાં છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે કહ્યું કે, ભાવનાબેન 8 મહિનાથી ગેરહાજર છે. તેમને નોટિસ આપવામાં આવી છે. ગેર હાજરી દરમ્યાન કોઈપણ પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી. ઠરાવ મુજબ એક વર્ષથી વધુ સમય ગેરહાજર થતાં તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે.
 
વિદેશી નાગરિક હોવા છતાં સરકારી શાળાના પગારદાર
બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે, શિક્ષિકા ભાવનાબેન અમેરિકામાં ગ્રીનકાર્ડ ધારક છે. તેઓ છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં રહે છે. વિદેશી નાગરિક બન્યા હોવા છતાં તેઓ ગુજરાતની સરકારી શાળાના પગારદાર છે. આ અંગે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, આ બાબત કોઈપણ હિસાબે ચલાવી નહીં લેવાય, રાજ્યની તમામ શાળાઓની વિગતો મંગાવીશું. રિપોર્ટના આધારે કાર્યવાહી કરીશું. જો પગાર મેળવાયો હશે તો પરત વસૂલ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

Next Article