અમદાવાદમાં રસ્તે રખડતી ગાયે બાઈક પર જતાં પિતા પુત્રીને અડફેટે લીધાં, પિતા પુત્રી ઈજાગ્રસ્ત

Webdunia
શુક્રવાર, 8 એપ્રિલ 2022 (11:42 IST)
રાજ્યમાં રસ્તે રખડતા ઢોર મામલે સરકાર દ્વારા ફરજિયાત લાયસન્સના કાયદાને હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે. શહેરમાં રસ્તે રખડતી ગાયોનો ત્રાસ વધ્યો છે. રસ્તે રખડતી ગાયોના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતનો ભોગ બનવું પડે છે. અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રસ્તે રખડતી ગાયે બાઇક પર જતાં પિતા-પુત્રીને અડફેટે લીધાં હતા. જેમાં પિતા-પુત્રી ઈજાગ્રસ્ત થયા છે. પિતાને પગમાં ફેક્ચર અને બાળકીને માથાના અને કાનના ભાગે ટાંકા લેવાની ફરજ પડી છે. રસ્તા પર છુટા મૂકી દેવાતા ઢોરના કારણે અકસ્માત વધી રહ્યાં છે, ક્યારેક લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. શહેરના જશોદાનગર વિસ્તારમાં ગીતાંજલિ સ્કૂલ પાસે આવેલા ગીતાનગરમાં રહેતા રમેશચંદ્ર કોષ્ટી તેમની પાંચ વરસની દીકરીને લઈને બાઈક ઉપર સોસાયટીની બહાર જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તે રખડતી બેથી ત્રણ ગાયોમાં એક ગાય સોસાયટીની અંદર આવી હતી અને તેમની પાછળ દોડી પાછળથી તેમને અડફેટે લીધા હતા. જેના કારણે બંને પિતા-પુત્રી નીચે પટકાયા હતા. ગાયે તેમને પાછળથી એવા અડફેટમાં લીધા હતા કે બંને પિતા પુત્રી ફંગોળાઇને નીચે પટકાયા હતા આ ઘટનાને કારણે સોસાયટીના લોકો ભેગા થઇ ગયા હતા અને સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડયા હતા.રમેશચંદ્ર કોષ્ટીને પગના ભાગે ફેક્ચર થયું હતું જ્યારે તેમની પુત્રી પ્રાચીને માથાના ભાગે ઇજા થતાં ટાંકા લેવા પડ્યા હતા.ઢોરના કારણે અકસ્માતમાં કોઈ ઇજાગ્રસ્ત થયાનો આ એક જ કિસ્સો નથી પરંતુ અવારનવાર આવા કિસ્સા બને છે. રસ્તે રખડતા ઢોરના કારણે અકસ્માત થાય છે. જોકે નાની-નાની ઘટનાઓને કોઈ ધ્યાનમાં નથી લેતું અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ રખડતાં ઢોરને પકડવામાં નિષ્ફળ છે.

સંબંધિત સમાચાર

Next Article