લગ્ન પ્રસંગે જતા પરિવારની કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ, સાસુ-જમાઈ સહિત એક બાળકનું મોત

Webdunia
શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (12:24 IST)
ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ગમખ્વાર અકસ્માતથી મોતની સંખ્યા પણ વધી છે. ત્યારે જામનગર-રાજકોટ હાઇવે પર વધુ એક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં લગ્ન પ્રસંગમાં જતા પરિવાર અધવચ્ચે જ વિખાઇ ગયો છે. અકસ્માતની ગોઝારી ઘટનામાં સાસુ-જમાઇના ઘટનાસ્થળે મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક બાળકનું પણ મોત થયું છે. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

મળતી માહિતી મુજબ જામનગરનો પરિવાર હોન્ડા સીટી કારમાં મોડી રાત્રે રાજકોટ લગ્ન પ્રસંદમાં જઇ રહ્યો હતો. ધ્રોલથી આગળ જાયવા ગામ પાટીયા પાસે આવેલી આશાપુરા હોટલ સામે કાર ચાલુ ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા કારનો ભૂક્કો બોલી ગયો હતો અને ઘટનાસ્થળે પર જ કારમાં સવાર પાંચ પૈકી બે લોકોના મોત થયા હતા. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં એક બાળકનું મોત થયું છે.મળતી માહિતી મુજબ મૃતકોમાં સાસુ-જમાઇ અને એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે એક બાળકો અને એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યારે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક બે મહિના અગાઉ પણ ભયંકર અકસ્માત થયો હતો. પૂરઝડપે આવતી કાર રસ્તા પરથી ઉતરી જતાં કારમાં સવાર ચાર પૈકી એક બાળક સહિત બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article