અમદાવાદ: દિલ્લીમાં વેશ બદલીને હવાઇ યાત્રા કરવાનો પ્રયત્ન કરનાર યુવકની ધરપકડનો કિસ્સો સામે આવ્યો છે. જોકે દિલ્હીના પાલમ સ્થિત ઇંદીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઇએસએફના જવાનોએ 32 વર્ષના યુવકને 81 વર્ષના ડોસાનો વેશ બદલીને વિદેશ જતાં પકડી પાડ્યો હતો. સીઆઇએસએફના જવાનોને શંકા જતાં વ્હીલચેર પર જઇ રહેલા 81 વર્ષના ડોસાને અટકાવીને પૂછપરછ કરી તો હકિકત સામે આવી. આ યુવકની ઓળખ અમદાવાદના રહેવાસી જયેશ પટેલના રૂપમાં કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ન્યૂયોર્ક જઇને પોતાની જીંદગી બદલવા માંગતો હતો. તે એશોઆરામ ઇચ્છતો હતો પરંતુ તેને વિઝા મળતા ન હતા. માટે તેને કંટાળીને આ પ્રકારનું કાવતરું ઘડ્યું હતું. તેણે 81 વર્ષના ઘરડા વ્યક્તિનું રૂપ ધારણ કરી લીધું. ગેટઅપ એવો કર્યો હતો કે એક નજરે જોતાં ઓળખી ન શકાય. તે ન્યૂયોર્ક જવાની ફીરાકમાં હતો. તેણે પોતાના બાલ, દાઢી અને મૂંછો સફેદ કલરની કરી દીધી હતી.
સીઆઇએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે લગભગ 10:45 વાગે એક ઘરડો વ્યક્તિ એરપોર્ટના ટમિર્નલ-3 પર પહોંચ્યો હતો. તેને એર ઇન્ડીયાની ફ્લાઇટ નંબર એઆઇ 101 દ્વારા ન્યૂયોર્ક જવાનું હતું. તપાસમાં તેણે સુરક્ષાકર્મીઓને પોતાનો ભારતીય પાસપોર્ટ બતાવ્યો, જેમાં અમરિક સિંહ નામ લખેલું હતું.
ઇમિગ્રેશનમાંથી ક્લિયરેંસ મળ્યા બાદ જયેશ ઉર્ફે અમરિક સિંહ ટર્મિનલ નંબર 3 (T 3) પર ફાઇનલ ચેકિંગ માટે પહોંચ્યો ત્યારે સીઆઇએસએફના જવાન રાજવીર સિંહે તેને વ્હીચેર પર બેસવા માટે કહ્યું, પરંતુ તે બનાવટી વૃદ્ધે બેસવાની ના પાડી દીધી. જ્યારે તે સીઆઇએસએફના જવાન સાથે નજર મિલાવતો ન હોવાથી રાજવીર સિંહની શંકા વધુ મજબૂત બની ગઇ. રાજવીર સિંહે તેનો પાસપોર્ટ જોયો જેમાં જન્મ તારીખ 1 ફેબ્રુવારી 1938 લખી હતી એટલે કે તેની ઉંમર 81 વર્ષની હતી.
પાસપોર્ટમાં 81 વર્ષની ઉંમર જોયા બાદ રાજવીર સિંહે ધ્યાનથી અમરિક સિંહના ચહેરાનો જોયો, તેની ચામડી ચાડી ખાઇ રહી હતી. રાજવીરે અમરીકના ચહેરાને બિલકુલ નજીકથી જોયો તો ખબર પડી કે બાલ અને દાઢી પર સફેદ રંગ લગાવ્યો છે. તેણે ઘરડો દેખાવવા માટે જીરો નંબરના ચશ્મા પણ પહેર્યા હતા. ત્યારબાદ તેને સાઇડમાં લઇ જઇ પૂછપરછ કરી તો સત્ય સામે આવ્યું. . તેણે સમગ્ર પ્લાન એ રીતે તૈયાર કર્યો હતો કે સુરક્ષાકર્મીઓને હકિકત ખબર પડી તો તે પણ ચોંકી ઉઠ્યા હતા.