દેશભરમાં કોરોનાથી દરરોજ સાડા 3 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. તો બીજી તરફ 3 હજારથી વધુ લોકોના જીવ ગુમાવી રહ્યા છે. આ ડરામણા ચિત્ર બાદ પણ લોકોના મનમાં ડર નથી. લોકો બિંદાસ કોરોનાના નિયમોને નેવે મૂકી પોતાની મનમાની કરી રહ્યા છે.
આવું એક દ્રશ્ય અમદાવાદ નજીક સાણંદના નવાપુરા અને નિધરાડમાં જોવા મળ્યું. જ્યાં હજારોની સંખ્યામાં મહિલાઓની ભીડ ડીજેના તાલ સાથે માથે કળશ મૂકી મંદિરમાં જળાભિષેક કરવા પહોંચી. તેમણે ચહેરા પર માસ્ક પહેર્યું ન હતું. સોશિયલ ડિસ્ટેસિંગ જેવી કોઇ વસ્તુ ન હતી. જો આમાંથી કોઇપણ વ્યક્તિ ને કોરોના હશે તો કોરોના વિસ્ફોટ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પોલીસનાં મતે આ વીડિયો 3 મેનો હોવાનું સામે આવ્યું છે.
ગ્રામજનોનું કહેવું છે કે કેટલાક લોકોએ કોરોનાથી બચવા માટે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગામમાં રહેનાર કૌશિકભાઇ, ધમેંદ્રભાઇ વાધેલા, દશરથભાઇ ઠાકોર, કિશનભાઇ ઠાકોરે આ કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું.
ગ્રામજનોનું કહેવું હતું કે કોરોથી બચવા માટે બળિયાદેવ હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના તથા જળ ચઢાવવું પડશે. જેથી હજારોની સંખ્યામાં મહિલાઓ માથે કળશ મુકીને મંદિર પહોંચી હતી.
નિધરાડ ગામના સરપંચના પરિવાર જણાવ્યું કે ગામના ભુવાજીને બળિયા દેવ આવ્યા હતા અને તેમણે જણાવ્યુ કે તેમને ટાઢા કરવામાં આવે તો કોરોના મટી શકે તેમ છે. આ મામલે તેઓનું એવું પણ કહેવું છે કે છેલ્લા 15 દિવસમાં 30 લોકોના મોત થયા છે જેથી ભુવાજીની વાત માની અમે આ ધાર્મિક કાર્યક્રમ કર્યો હતો.
આ કોરોનાના કપરાકાળમાં આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમ કરવા એ કેટલું યોગ્ય ગણાશે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે બે અલગ અલગ ગુના નોંધી નવાપુરાના સરપંચ સહિત ચાંગોદરથી 18 અને સાણંદથી 12 લોકોની એમ કુલ 30 લોકોની ધરપકડ કરી છે. અને અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ તંત્ર પાસેથી કોઇ પરવાનગી લેવામાં આવી નથી. એવામાં જ્યારે આ આયોજનનો વીડિયો વાયરલ થયો તો પોલીસે આયોજકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. ધાર્મિક સમારોહથી માંડીને ભીડ જમા થતાં પોલીસ સામે આંગળી ચિંધાઇ રહી છે કે કોરોનાની ગંભીર સ્થિતિ હોવાછતાં તેમને આ આયોજનની ખબર કેમ ન પડી. જો પોલીસ સતર્ક રહી હોત તો ભીડ જમા થતાં પહેલાં અટકાવી શકાઇ હોત.