હાર્દિક 'અશક્ત' થતાં પાસની ચિમકી,જો હાર્દિકને કઇં થશે તો સરકારની જવાબદારી

Webdunia
ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (11:59 IST)
હાર્દિકના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. ઉપવાસને પગલે તે અશક્ત બની ગયો છે. ઊભા થવાની પણ તેનામાં તાકાત રહી નથી. તેને ઉપવાસી છાવણીમાં જવા અને બહાર નીકળવા માટે પણ વ્હિલચેર અને મિત્રો સહારો લેવો પડી રહ્યો છે. હાર્દિકે 25મી ઓગસ્ટથી 13 દિવસનો ઉપવાસનો કાર્યક્રમ નિર્ધારિત કર્યો હતો. તેને વિશ્વાસ હશે કે 13 દિવસમાં તેની માંગ સરકાર માની જશે. પરંતુ હાલની સ્થિતિમાં સરકાર તરફથી તેની માંગ સંતોષાય તેવું જણાઈ રહ્યું હોય તેવું લાગતું નથી.

આમરણ ઉપવાસના ૧૨ દિવસના અંતે ય સરકાર સમાધાન કરવા તૈયાર નથી ત્યારે હાર્દિક પટેલ ચિમકી ઉચ્ચારી છેકે, જો ૨૪ કલાકમાં સરકાર વાટાઘાટો નહી કરે તો, પાણીત્યાગ કરશે. પાસે પણ સરકારને ચેતવી છેકે, જો હાર્દિકને કઇં થશે,સરકારની જવાબદારી રહેશે.
મંગળવારે મોડી સાંજ સુધી સરકાર અને પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનો સાથે બંધબારણે બેઠક યોજાઇ હતી પણ તેમાં કોઇ નિષ્કર્ષ આવ્યુ ન હતુ. આજે પાસે આંદોલનને આગળ ધપાવવાના ભાગરુપે કાર્યક્રમોની જાહેરાત કરી હતી. ગુરુવારે પાસના કાર્યકરો ભાજપ,કોંગ્રેસ સહિત અન્ય પક્ષના ધારાસભ્યો,સાંસદોને ફોન કરી પાટીદાર અનામત અને ખેડૂતોના દેવામાફીને મુદ્દે જવાબ માંગશે. એટલું જ નહી,ધારાસભ્યો,સાંસદોના જવાબને રેકોર્ડ કરવામાં આવશે.ફોર્મમાં લેખિત જવાબ લેવાશે.
આ ઉપરાંત ૭,૮,૯મીએ સિદસર,ગાંઠીલા,ઉંઝા અને કાગવડમાં રોજ ત્રણેક કલાક આરતીપૂજનના કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે. અહીં હાર્દિકના સ્વાસ્થય ઉપરાંત ખેડૂતોના દેવામાફી,અનામત મળે તેની પ્રાર્થના કરવામાં આવશે. પાસનું કહેવુ છેકે, સરકારનું પેટનુ પાણી હાલતુ નથી. સરકાર હાર્દિકનું મોત થાય અને અલ્પેશ કથિરીયા જેલમાં સબડે તેમ ઇચ્છી રહી છે. પાસના કાર્યકરોએ તો હાર્દિકને પાણીત્યાગ ન કરવા સલાહ આપી છે. હાર્દિક પટેલ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો ત્યારે સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ,પાટીદારોએ સરકાર સાથે સીધો સંવાદ કરવા પણ તૈયારી દર્શાવી છે.

સંબંધિત સમાચાર

Next Article