આમ તો નવરાત્રી શબ્દ સાંભળતા જ આપણી નજરો સમક્ષ ગરબે ઘૂમતી યુવતીઓનું દ્રશ્ય આવી જાય છે. આમ તો ગરબા રમવા એ પણ માતા પ્રત્યેની આપણી શ્રધ્ધાનુ જ એક રૂપ છે. એવું કહેવાય છે કે નવરાત્રિમાં જ્યા પણ માતાનું મંદિર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં પાંચ ગરબા તો રમવા જ પડે છે.
માતાની આરાધના કરવાની બીજી રીત છે ઉપવાસ કરવા, નવ દિવસ સુધી માતાની ભક્તિ કરવી. ઘણા લોકો નવરાત્રીમાં નવ દિવસ નકોરડાં ઉપવાસ કરે છે. ઘૂપ-દીપ કરીને માતાજીની ભક્તિ-અર્ચના કરે છે. કેટલાક તો પાછા પગપાળા માતાજીના સ્થાનકો પર જઈને પોતાની શ્રધ્ધા વ્યક્ત કરે છે. જેવી જેની શક્તિ અને શ્રધ્ધા એવી તેની ભક્તિ.
નવરાત્રિ એક એવો તહેવાર છે જેમા માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ માઁ દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતા માતાનું સ્થાન ઉંચુ હોય છે. પિતા કરતા માતાનું મહત્વ પણ વધુ હોય છે. માતા એ જનની છે. બાળકનુ પાલન-પોષણ કરે છે. માતા જ બાળકને સંસ્કાર પણ આપે છે. તેવી જ રીતે હિન્દુ ઘર્મમાં પણ માતાની ઉપાસનાનું વિશેષ મહત્વ છે.
દુર્ગા માતાનાં નવ સ્વરૂપમાં (૧) શૈલ પુત્રી (૨) બ્રહ્મચારિણી (૩) ચંદ્ર ઘંટા (૪) કુષ્માણ્ડી (૫) સ્કંદમાતા (૬) કાત્યાયની (૭) કાલરાત્રિ (૮) મહાગૌરી (૯) સિદ્ધિરાત્રી આ દિવસોમાં દિવસે સાધના, દુર્ગાપાઠ અને રાત્રે ભજન-કીર્તન-રાસ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે અને 'શક્તિની ઉપાસના'નું પર્વ માનવામાં આવે છે. આ ત્રણેય દેવીઓ શક્તિ, જ્ઞાન અને સંપદાનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ નવ રૂપો વિશે થોડીક જાણીએ.
પહેલા દિવસે દુર્ગા શૈલીપુત્રી
આદિશક્તિ દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે આની આરાધના અને પુજા કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.
બીજા દિવસે દુર્ગા શ્રી બ્રહ્મચારિણી
આદિશક્તિ દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. નવરાત્રિના બીજા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મનુષ્યને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધી થાય છે. તેમજ મન પણ કર્તવ્ય પથ પરથી વિચલીત થતું નથી.
ત્રીજા દિવસે દુર્ગા શ્રી ચંદ્રઘંટા
આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.
ચોથા દિવસે દુર્ગા શ્રી કૂષ્માંડા
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.
પાંચમા દિવસે દુર્ગા શ્રી સ્કંદમાતા
આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. નવરાત્રિના પાંચમા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.
છઠ્ઠા દિવસે દુર્ગા શ્રી કાત્યાયની
આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે આનમી પુજા અર્ચના કરવામાં આવે છે. શ્રી કાત્યાયનીની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર જાગૃત થવાથી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકીક તેજ અને પ્રભાવ મેળવે છે. તેમજ તેના રોગ, ભય, સંતાપ, શોઅક, નએ બધી જ વ્યથાઓનો નાશ થઈ જાય છે.
સાતમા દિવસે દુર્ગા શ્રી કાલરાત્રિ
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે. નવરાત્રિના સાતામા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.
આઠમા દિવસે દુર્ગા શ્રી મહાગૌરી
આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આમની પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના અરવી જોઈએ. શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભા કાર્ય પણ સંભવ બની જાય છે.
નવમા દિવસે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી
આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના નવમા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટીમાં કઈ પણ તેના માટે અગમ્ય નથી રહી જતું.
આમ નવરાત્રી મુખ્યત્વે માઁ ની આરાધનાનો તહેવાર છે. નવરાત્રી દરમિયાન મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનો પણ ઉલ્લેખ થાય છે. કારણ કે આસો સુદ નવમીના દિવસે શ્રીરામે આદ્યશક્તિની આરાધના કરીને વિજયાદશમીના દિવસે રાવણ સાથે યુધ્ધ કરવા સમુદ્ર તટ પરથી પ્રયાણ કર્યુ હતુ.
ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9 ચેત્ર નવરાત્રી માતાના અનુષ્ઠાન માટે ઉત્તમ ગણવામાં આવે છે. આસો સુધ 1 થી આસો સુદ 9 શરદ નવરાત્રી, માતાના ભક્તિપૂર્ણ ગીતો ઉપાસના કરવા માટે ઉત્તમ ગણાય છે.