ઇન્ડિયા' ગઠબંધનની રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું -'નરેન્દ્ર મોદી મૅચ ફિક્સિંગ કરીને ચૂંટણી જીતવા માંગે છે'

Webdunia
રવિવાર, 31 માર્ચ 2024 (15:51 IST)
દિલ્હીના રામલીલા મેદાનમાં વિપક્ષી દળોના ગઠબંધન 'ઇન્ડિયા'ની રેલીનું આયોજન થયું છે. જેમાં દેશના તમામ મોટા વિપક્ષી નેતાઓ એકઠા થયા છે.
 
તમામ નેતાઓએ બંધારણ અને લોકશાહી બચાવવા માટે આહ્લાન કર્યું હતું.
 
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન આજે રેલીમાં નથી પણ હું તેમને દિલથી યાદ કરું છું."
 
રેલીમાં કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલે લોકોને કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ કેજરીવાલને જેલમાં પૂરી દીધા છે. તેમણે લોકોને પૂછ્યું હતું કે શું તેમણે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ? તેમણે જેલમાંથી 
 
કેજરીવાલનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો.
 
કેજરીવાલે જેલમાંથી કહ્યું હતું કે, "ધરપકડને કારણે મારા ઇરાદાને વધારે બળ મળ્યું છે, મને વધારે તાકાત મળી છે. હું જલદી જેલમાંથી બહાર આવીને તમને મળીશ."
 
રાહુલ ગાંધીએ કહ્યું, 'નરેન્દ્ર મોદી મૅચ ફિક્સિંગ કરવા માંગે છે'
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “તમે મૅચ ફિક્સિંગ શબ્દ સાંભળ્યો હશે. ક્રિકેટમાં બેઇમાનીને મૅચ ફિક્સિંગ કહેવાય છે. લોકસભા ચૂંટણીટાણે નરેન્દ્ર મોદીએ પણ એવું જ કર્યું છે. તેમણે અમ્પાયર ચૂંટ્યા છે. 
 
તેમણે મૅચ શરૂ થાય તે પહેલાં જ અમારા બે ખેલાડીઓને જેલમાં મોકલી દીધા છે. દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કૉંગ્રેસનાં બૅન્ક ખાતાં ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. આ લોકો બેઇમાનીથી જીતવા માંગે છે. 
 
ચૂંટણીપંચમાં પણ તેમણે પોતાના માણસો બેસાડ્યા છે અને ન્યાયતંત્ર પર પણ દબાણ ઊભું કર્યું છે.”
 
“હું તમને કહેવા માગું છું કે તેઓ આ બધુ કર્યાં પછી પણ 180 પાર નહીં કરી શકે.”
 
તેમણે આરોપ મૂક્યો હતો કે, “આ મૅચ ફિક્સિંગ નરેન્દ્ર મોદી અને ત્રણ-ચાર ઉદ્યોગપતિઓ મળીને કરી રહ્યા છે. આ મૅચ ફિક્સિંગ આખો દેશ જોઈ રહ્યો છે. ભાજપના લોકો પણ કહી રહ્યા છે કે કંઈક ગડબડ થવા 
 
જઈ રહી છે.”
 
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “તમે મીડિયાને ડરાવી-ધમકાવી શકશો પણ દેશની જનતાના અવાજને નહીં દબાવી શકો. આ અવાજને દેશની કોઈ તાકાત દબાવી નહીં શકે.”
 
“એક વાત યાદ રાખજો કે જો તમે પૂરી તાકાતથી મતદાન નહીં કરો તો તેઓ મૅચ ફિક્સિંગમાં ફાવી જશે અને બંધારણ બદલાઈ જશે. આ ચૂંટણી મામૂલી ચૂંટણી નથી, આ બંધારણ બચાવવા માટેની ચૂંટણી છે.”
 
“હું કહેવા માંગું છું કે તેઓ મૅચ ફિક્સિંગમાં સફળ થશે તો તેઓ બંધારણ બદલી નાખશે અને સમગ્ર દેશમાં આગ લાગશે.”
 
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જ્યાં સુધી મોદી સરકારની વિચારધારાને નહીં હઠાવીએ ત્યાં સુધી દેશમાં સુખસમૃદ્ધિ નહીં આવે.

સંબંધિત સમાચાર

Next Article