દિલ્હી પોલીસ દ્વારા FIR નોંધ્યા બાદ ગુરુવારે સાંજે જળવાયુ પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે વધુ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વિટ દ્વારા ગ્રેટાએ કહ્યું છે કે તે હજી પણ ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલન સાથે ઉભી છે. દિલ્હી પોલીસે ખેડૂત આંદોલન અંગે તાજેતરના તેમના ટ્વિટ પર આજે બપોરે ગ્રેટા વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. પોલીસે ગ્રેટા વિરુદ્ધ આઈપીસીની કલમ 153 એ અને 120 બી હેઠળ ગુનો નોંધ્યો છે.
સ્વીડિશ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે એક નવા ટ્વીટમાં લખ્યું છે કે, "હું હજી પણ ખેડૂતો અને તેમના શાંતિપૂર્ણ પ્રદર્શનની સાથે ઉભી છુ. નફરત, ધમકી અથવા માનવાધિકારનું ઉલ્લંઘન તેને બદલી શકતું નથી.” તેમણે ફાર્મર પ્રોટેસ્ટ હેશટેગનો પણ ઉપયોગ કર્યો. મંગળવારે રાત્રે ગ્રેટાએ સીએનએનના ખેડૂત આંદોલનને લગતી એક ટ્વિટમાં લખ્યું હતું કે અમે ભારતમાં ખેડૂત આંદોલન સાથે છીએ.
આ અગાઉ ગ્રેટાએ ટ્વીટ કરીને કહ્યું હતુ કે, ભારત સરકાર પર કેવી રીતે દબાવ બનાવી શકાય છે તેના માટે તેણે પોતાની કાર્ય યોજનાથી સંબંધિત એક દસ્તાવેજ પણ શેર કર્યા, જે ભારત વિરોધી પ્રોપેગેંડા અભિયાનનો ભાગ છે. આની ઘણી જ નિંદા થઈ હતી. ખેડૂતોના મુદ્દે વિદેશી હસ્તીઓની દખલ પર વિદેશ મંત્રાલય દ્વારા બુધવારના સખ્ત પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ગ્રેટા થનબર્ગ, રિહાના અને મિયા ખલિફા જેવી વિદેશી હસ્તીઓએ ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા આપ્યા બાદ દેશના આંતરિક મુદ્દામાં દખલ કરતી વિદેશી તાકાતનો સખ્ત જવાબ આપ્યો હતો.