છેલ્લા લગભગ 2 મહિનાથી AIIMSમાં દાખલ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની હાલત નાજુક છે. તેમને ફુલ લાઈફ સપોર્ટ પર મુકવામાં આવ્યા છે. AIIMS આજે થોડી જ વારમાં મેડિકલ બુલેટિન રજુ કરી શકે છે. આ પહેલા બુધવારે મોડી રાત્રે આવેલ મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યુ કે તેમની હાલત છેલ્લા 24 કલાકમાં વધુ બગડી છે. અટલજીના બગડતા સ્વાસ્થ્યને લઈને દરેક બેચેન છે. પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રી એમ્સમાં જઈ ચુક્યા છે. ગુરૂવારે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ અટલજીના હાલ જાણવા પહોંચ્યા છે.
આ પહેલા બુધવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ AIIMS પહોંચીને બીજેપીના શિખર પુરૂષની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી મોદી રાત્રે લગભગ સવા 7 વાગ્યે AIIMS પહોંચ્યા. ત્યા લગભગ 10 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા અને વાજપેયીની સારવાર લઈ રહેલ ડોક્ટરોની મુલાકાત કરી પૂર્વ પીએમની ખબર પુછી. મોદી ઉપરાંત કુલ 6 કેન્દ્રીય મંત્રી અટલજીની તબિયત પુછવા એમ્સ પહોંચ્યા હતા. તેમા જીતેન્દ્ર સિંહ, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, સુરેશ પ્રભુ વગેરેનો સમાવેશ હતો. તેમની પહેલાં ગઇકાલે બપોરે ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની પણ AIIMS પહોંચ્યા હતા અને વાજપેયીની તબિયત પૂછી હતી.
એમ્સ એ પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છેલ્લાં 9 સપ્તાહથી AIIMS માં દાખલ છે. છેલ્લાં 24 કલાકમાં દુર્ભાગ્યથી તેમની તબિયત વધુ બગડી છે. તેમની સ્થિતિ નાજુક છે અને તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે.
વાજપેયીને કિડનીની નળીમાં ઇન્ફેકશન, મૂત્રનળીમાં ઇન્ફેકશન જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ બાદ 11 જૂનના રોજ AIIMSમાં દાખલ કરાયા. સૂત્રોએ કહ્યું કે તેમની તબિયત અત્યંત ગંભીર છે. તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રખાયા છે અને સીએન ટાવર સ્થિત આઇસીયુમાં ડૉકટરોની એક ટીમ તેમનું સતત ધ્યાન રાખી રહી છે. ડાયાબીટીસનો શિકાર 93 વર્ષના ભાજપના નેતાની એક જ કિડની કામ કરે છે. 2009માં તેમને સ્ટ્રોક આવ્યો હતો. ત્યારબાદ તેમની વિચારક્ષમતા ધીમેધીમે નબળી પડતી ગઇ. ત્યારબાદ તેઓ ડિમેંશિયાથી પીડાતા ગયા. જેમ-જેમ તબિયત લથડવા લાગીતેમ-તેમ તેમણે જાતે જ ધીમે-ધીમે પોતાને જાહેર જીવનથી દૂર કરી દીધા