Farmers Protest - મોદી સરકારે આપલો પ્રસ્તાવ ખેડૂતોએ ફગાવ્યો

Webdunia
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (00:39 IST)
-મોદી સરકારે આપલો પ્રસ્તાવ ખેડૂતોએ ફગાવ્યો
-એમએસપીથી ઓછી બાબત પર કોઈ વાત નહીં
-એમએસપી આપવાની વાત કહી હતી

સંયુક્ત કિસાન મોરચાએ એમએસપી મામલે કેન્દ્ર સરકારે આપેલા પ્રસ્તાવને ઠુકરાવ્યો અને કહ્યું, “એમએસપીથી ઓછી બાબત પર કોઈ વાત નહીં” સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં સરકારે પાંચ પાક પર પાંચ વર્ષ માટે એમએસપી આપવાની વાત કહી હતી. આ પ્રસ્તાવ કેન્દ્ર સરકાર તરફથી 18 ફેબ્રુઆરીએ ચંડીગઢમાં ખેડૂતો સાથેની વાતચીત દરમિયાન આપવામાં આવ્યો હતો.
 
જોકે આ પ્રસ્તાવ પર હાલ ભારતીય કિસાન યુનિયન તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી.
 
સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે સરકારે મકાઈ, કપાસ, તુવેર, મસૂર અને અડદના પાક પર A2+FL+50%ની ફૉર્મ્યુલા પર એમએસપી આપવાની વાત કહી છે, પરંતુ આ તો મુખ્ય માગણીઓને નબળી બનાવવાનો પ્રયાસ છે.
 
તો ખેડૂતોની માગણી છે કે તમામ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ C2+50%ના ફૉર્મ્યુલાના આધારે નક્કી કરવામાં આવે. સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે 2014ની ચૂંટણી સમયે ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં પાકને લઘુતમ ટેકાના ભાવે ખરીદવાની ગેરંટી આપી હતી જેનું પાલન તેણે નથી કર્યું.
 
તેમણે કહ્યું કે ખેડૂતો સાથેની વાતચીતમાં સરકારે હજુ પણ એ નથી જણાવ્યું કે તે એમએસપીના કયા ફૉર્મ્યુલાને લાગુ કરશે.
 
સંગઠને કહ્યું કે આના સિવાય ખેડૂતોની દેવા માફી, વીજ બોર્ડના ખાનગીકરણ, 60 વર્ષથી વધુ વયના ખેડૂતોને દસ હજાર રૂપિયાનું પેન્શન અને લખીમપુર ખીરી કાંડમાં ન્યાયના પ્રશ્ન કેન્દ્રીય મંત્રીઓ હજુ પણ મૌન છે.
 
અગાઉ કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે રવિવારે મોડી રાત્રે થેયેલી ચોથા તબક્કાની વાતચીતમાં સામેલ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ બેઠકને હકારાત્મક ગણાવી હતી.
 
તેમણે કહ્યું કે, ‘નવા વિચારો અને ભલામણો સાથે અમે ભારતીય કિસાન મજદૂર સંઘ અને અન્ય ખેડૂતનેતાઓ સાથે હકારાત્મક ચર્ચા કરી.’
 
ગોયલે કહ્યું કે ગત દસ વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરાયેલાં કાર્યોને કેવી રીતે આગળ વધારાય, આ અંગે અમે વિસ્તારપૂર્વક વાત કરી છે.
 
કેન્દ્ર સરકારે ખેડૂતો સામે પાક વૈવિધ્યીકરણનો પ્રસ્તાવ મૂક્યો છે, જે અંતર્ગત જુદા જુદા પાકની એમએસપી પર ખરીદી કરાશે.
 
આ પછી ખેડૂતનેતાઓએ કહ્યું હતું કે તેઓ સરકારના આ પ્રસ્તાવ પર વિચાર કરશે. તેમનું એવું પણ કહેવું હતું કે તેમની તમામ બાકી રહેલી માગોની ચર્ચા નથી થઈ.
 
આ બેઠકમાં સામેલ ખેડૂતોના 14 પ્રતિનિધિ અને કેન્દ્ર સરકારના ત્રણ મંત્રી(કૃષિ અને ખેડૂતકલ્યાણમંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય) ચંડીગઢ પહોંચ્યા હતા. બેઠકમાં પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પણ બેઠકમાં હાજર રહ્યા. ખેડૂતો સાથે બેઠક કરતા પહેલાં ત્રણેય કેન્દ્રીય મંત્રીઓએ પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન સાથે શહેરની એક હોટલમાં બેઠક કરી હતી.
 
બેઠક શરૂ થયા બાદ પ્રથમ બે મિનિટનું મૌન જાળવીને ખેડૂતઆંદોલન દરમિયાન હાર્ટ ઍટેકથી મૃત્યુ પામેલા ગુરદાસપુરના 79 વર્ષીય ખેડૂત જ્ઞાનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
 
ખેડૂતસંગઠનો અને આ ત્રણ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે આ પહેલાં પણ ત્રણ બેઠકો આઠ, 12 અને 15 ફેબ્રુઆરીના રોજ ચંડીગઢમાં જ યોજાઈ હતી. જેનું કોઈ પરિણામ નહોતું આવ્યું.
 
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે શું કહ્યું?
 
આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે પૅનલે ખેડૂતોને સમાધાન માટેનો એક પ્રસ્તાવ આપ્યો છે, જે અંતર્ગત સરકારી એજન્સીઓ તેમની પાસેથી પાંચ વર્ષ સુધી ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર દાળ, મકાઈ અને કપાસની ખરીદી કરશે.
 
ગોયલે કહ્યું, “નૅશનલ કોઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (એનસીસીએફ) અને નૅશનલ ઍગ્રિકલ્ચરલ કોઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (નાફેડ) જેવી કોઑપરેટિવ સોસાયટીઓ એ ખેડૂતો સાથે સમાધાન કરશે, જે તુવેર, અડદ, મસૂર દાલ કે મકાઈ ઉગાડસે અને તે બાદ તેમની પાસેથી આગામી પાંચ વર્ષ સુધી એસએમપી પર પાકની ખરીદી કરાશે.”
 
ગોયલે કહ્યું કે એવો પણ પ્રસ્તાવ અપાયો છે કે કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના માધ્યમથી ખેડૂતો પાસેથી પાંચ વર્ષ સુધી એમએસપી પર કપાસની ખરીદી કરાશે.
 
તેમણે કહ્યું કે ખરીદીના પ્રમાણ માટે કોઈ મર્યાદા નહીં હોય અને આના માટે એક પૉર્ટલ તૈયાર કરાશે.
 
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આનાથી પંજાબમાં ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે અને પહેલાંથી ખરાબ થઈ રહેલી જમીનને બિનઉપજાઉ બનતા અટકાવી શકાશે. તેમણે જણાવ્યું કે મંત્રી આ વિષય પર સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરશે.
 
ખેડૂતોનું શું વલણ છે?
ખેડૂતનેતાઓનું કહેવું છે કે તેઓ પોતાનાં મંચો પર સરકારના પ્રસ્તાવ પર આગામી બે દિવસ સુધી ચર્ચા કરશે અને તે બાદ ભવિષ્યની વ્યૂહરચના નક્કી કરશે.
 
બેઠક બાદ ખેડૂતનેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે, “અમે 19-20 ફેબ્રુઆરીના રોજ જુદાં જુદાં મંચો પર આ અંગે ચર્ચા કરીશું અને વિશેષજ્ઞોની સલાહ લઈશું. તે બાદ જ આ અંગે કોઈ નિર્ણય કરીશું.”
 
તેમણે કહ્યું કે દેવામાફી અને બાકીની માગો પર હજુ ચર્ચા નથી થઈ. તેમને આશા છે કે આગામી બે દિવસમાં આ મામલા પર સંમતિ સધાશે.
 
પંઢેરે કહ્યું કે ‘દિલ્હી ચલો’ માર્ચ હાલ સ્થગિત રખાયો છે, પરંતુ જો તમામ મુદ્દાનું સમાધાન ન થયું તો 21 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે આનો અમલ કરાશે.
 
ખેડૂતોની શું છે માગ?
ખેડૂત ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) માટે કાયદો બનાવવા અને સ્વામીનાથન કમિશનની તમામ ભલામણો લાગુ કરવાની માગ કરી રહ્યા છે.
 
ખેડૂતનેતાઓએ પોતાની માગોને લઈને દિલ્હી ચલોનો નારો આપ્યો હતો. 12 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર સાથેની વાતચીત નિષ્પરિણામ રહેતા ખેડૂત બીજા દિવસે પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડરે પહોંચ્યા હતા.
 
ત્યાંથી જ્યારે તેમણે હરિયાણાની બૉર્ડરમાં દાખલ થવાનો પ્રયત્ન કર્યો તો સુરક્ષા દળના જવાનોએ તેમને રોકી દીધા.
 
સુરક્ષા દળના જવાનોએ ખેડૂતોને રોકવા ટિયરગૅસ સેલ, પેલેટ ગન વડે ફાયરિંગ પણ કર્યું. ખેડૂતો પર ટિયરગૅસ છોડવા માટે ડ્રોનનો ઉપયોગ પણ કરાયો. જેમાં ઘણા પોલીસકર્મી અને ખેડૂતો ઈજાગ્રસ્ત થયા.
 
તણાવની સ્થિતિ 14 ફેબ્રુઆરીના દિવસે પણ ચાલુ જ રહી. તેના બીજા દિવસે ખેડૂતો અને સરકાર વચ્ચે ચંડીગઢમાં ત્રીજા દિવસની વાતચીત થવાની હતી.
 
જેને જોતાં ખેડૂતોએ કહ્યું કે તેઓ એ દિવસે પ્રદર્શન નહીં કરે. એ દિવસે શંભુ બૉર્ડર પર શાંતિ રહી. તે બાદથી ત્યાં શાંતિપૂર્ણ સ્થિતિ જળવાઈ રહી છે.
 
બે વર્ષ પહેલાં પણ ખેડૂતોએ દિલ્હીની બૉર્ડરો પર આંદોલન ચલાવ્યું હતું. તે બાદ ખેડૂત આંદોલન સામે નમતું મૂકી નરેન્દ્ર મોદી સરકારે કૃષક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો-2020, કૃષક (સશક્તીકરણ અને સંરક્ષણ) કીમત આશ્વાસન અને કૃષિસેવા પર કરાર કાયદો 2020 અને આવશ્કય વસ્તુ સંશોધન અધિનિયમ 2020ને રદ કરી દેવાયા હતા.
 
આ પગલા બાદ સરકારે ખેડૂતોને ન્યૂનતમ સમર્થન મૂલ્યની ગૅરંટી આપવાનો વાયદો કર્યો હતો. આ અંગે ખેડૂતોએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું હતું.

સંબંધિત સમાચાર

Next Article