રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુની આ તેમની પ્રથમ મુલાકાત છે.
પીએમ મોદી જમ્મુના સાંબા જિલ્લામાં પલ્લી પંચાયત પહોંચ્યા, જ્યાં તેમણે 20 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે દેશની તમામ ગ્રામસભાઓને સંબોધિત કરી હતી.
પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે, આ પ્રયાસોથી જમ્મુ-કાશ્મીરના યુવાનોને રોજગાર મળશે.
તેમણે કહ્યું હતું કે, "કેન્દ્ર સરકારની યોજનાઓ હવે અહીં સીધી રીતે લાગુ કરવામાં આવી રહી છે, જેનાથી અહીંનાં ગામડાંને ફાયદો થઈ રહ્યો છે. એલપીજી કનેક્શન હોય કે ટોઇલેટ, તે અહીંના લોકોને સીધું મળી રહે છે. આવનારાં 25 વર્ષમાં જમ્મુ-કાશ્મીર વિકાસની નવી ગાથા લખશે."
"છેલ્લા સાત દાયકામાં માત્ર રૂ. 17,000 કરોડનું ખાનગી રોકાણ થયું હતું, પરંતુ છેલ્લાx બે વર્ષમાં રૂ. 38,000 કરોડનું રોકાણ થયું છે અને ખાનગી કંપનીઓ અહીં આવી રહી છે. રોકાણકારો અહીં રોકાણ કરવા માટે ખુલ્લા મન સાથે આવે છે."
તેમણે કહ્યું કે, "પહેલાં સરકારી કામની ફાઇલ દિલ્હીમાંથી નીકળી બે-ત્રણ અઠવાડિયે જમ્મુ-કાશ્મીર પહોંચતી હતી. આજે 500 કિલોવૉટનો પાવર-પ્લાન્ટનો લાભ ગણતરીના દિવસોમાં પ્રદેશને મળવા લાગે છે."
વડા પ્રધાન મોદીએ પ્રદેશના યુવાનોના જીવનધોરણમાં સુધારો કરવાના નિર્ધાર અંગે વાત કરતાં કહ્યું કે, "ખીણના યુવાનો તમારાં દાદા-દાદી, નાના-નાનીને જે મુશ્કેલીઓ ભોગવવી પડી હતી તે તમારે નહીં ભોગવવી પડે એ હું કરી દેખાડીશ."
તેમણે આગળ કહ્યું કે, "એક ભારત-શ્રેષ્ઠ ભારતની વાત કરું ત્યારે મારી નેમ કનેક્ટિવિટી વધારવાથી લઈને અંતર મટાડવા સુધીની હોય છે. સાથે જ લોકોનાં દિલથી દિલનું અંતર મટાડવાની પણ વાત તેમાં હોય છે."
વડા પ્રધાને ખીણમાં વિકાસકાર્યો ઝડપી બનાવવા અંગે ક્યું હતું કે, "ઉઘમપુર શ્રીનગર બારામુલ્લાને જોડતા આર્ક બ્રિજનું ટૂંક સમયમાં જ નિર્માણ કરાશે. જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારો બારે મહિના એકબીજાથી જોડાયેલા રહેશે."
"રાજ્યમાં સારી હૉસ્પિટલ અંગેની, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના નિર્માણ અંગેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ ઘડવામાં આવી રહી છે. વાઇબ્રન્ટ વિલૅજનો સૌથી વધુ ફાયદો પંજાબ અને જમ્મુ-કાશ્મીરને મળશે."
તેમણે કાશ્મીરમાં સુધરી રહેલી પરિસ્થિતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "મને બતાવવામાં આવી રહ્યું છે કે આગામી જૂન-જુલાઈ સુધી પર્યટનસ્થળો બુક થઈ ગયાં છે. જગ્યા નથી મળતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આગામી વર્ષ સુધીમાં દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર આગામી વર્ષ સુધીમાં બનાવવામાં આવશે. એ વિસ્તારના શહિદોનાં નામે પીપળા, વડ વગેરે વૃક્ષો ઉગાડવામાં આવશે."
સાથે જ 24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસના અવસરે જમ્મુના સામ્બા જિલ્લાની પલ્લી પંચાયતનું નામ ઇતિહાસમાં નોંધાઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પલ્લી પંચાયતના લોકોને 500 કિલોવૉટ ક્ષમતાવાળો પાવર પ્લાન્ટ સમર્પિત કર્યો છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર તેમણે દેશની ગ્રામ પંચાયતોને સંબોધિત કરતાં કહ્યું કે,"સામ્બા જિલ્લાના પલ્લીમાં 500 કિલોવૉટ સોલર પ્લાન્ટના ઉદ્ઘાટનની સાથે જ તે દેશની પ્રથમ કાર્બન મુક્ત પંચાયત બની ગઈ છે. પલ્લીના લોકોએ સાબિત કર્યું કે 'સબકા પ્રયાસ' શું કરી શકે છે."
આ બાદ પલ્લી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની પ્રથમ કાર્બનમુક્ત પંચાયત બની ગઈ છે. અહીંના સ્થાનિક પાવર ગ્રિડ સ્ટેશનથી ઘરોમાં કાર્બનરહિત વીજળીનો પુરવઠો પૂરો પડાશે.
કેન્દ્ર સરકારે આ પ્લાન્ટને 2.75 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આ પ્લાન્ટ અહીંનાં 340 ઘરોમાં સૌરઊર્જા ઉપલબ્ધ કરાવવા માટે 20 દિવસમાં ઊભો કરાયો છે.
સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના વરિષ્ઠ સાઇટ ઇજનેર મોહમ્મદ યાસીને જણાવ્યું કે 25થી 30 શ્રમિક, સાઇટ ઇજનેરો અને અન્ય વિશેષજ્ઞોની સમગ્ર ટીમે 20 દિવસમાં આને ચાલુ કરવામાં સફળતા મેળવી છે.