પંજાબ નેશનલ બૅન્કના છેતરપિંડીના કેસમાં ભાગેડુ સુરતના મેહુલ ચોકસી એન્ટિગુઆ અને બાર્બુડાના નાગરિક છે અને તેમની ઉપર ડૉમિનિકામાં ગેરકાયદે પ્રવેશનો આરોપ હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, શનિવારે મેહુલ ચોકસીના પ્રવક્તાના નિવેદન અનુસાર, ડોમિનિકાએ 2021માં ગેરકાયદે પ્રવેશ માટે તેમની સામેના તમામ આરોપો રદ કર્યા છે.
મેહુલ ચોકસીએ દાવો કર્યો હતો કે તેનું કથિત રીતે ભારતીય એજન્ટો દ્વારા એન્ટીગુઆ અને બાર્બુડાથી અપહરણ કરવામાં આવ્યું હતું અને બળજબરીથી એક યૉટમાં ડૉમિનિકા લઈ જવામાં આવ્યા હતા.
ડોમિનિકા એ કૅરેબિયન ટાપુ સમૂહમાં એન્ટિગુઆ અને બાર્બુડાની દક્ષિણે આવેલો એક ટાપુ દેશ છે.
ચોકસીનો દાવો હતો કે તેઓ હવે ભારતીય નાગરિક નથી અને હાલના કાયદાઓ હેઠળ તેમને ભારત પરત મોકલી શકાશે નહીં.
ગયા વર્ષે 24 મેના રોજ ડૉમિનિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, તેમને જુલાઈમાં તબીબી આધાર પર જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ એન્ટિગુઆ અને બાર્બુડા પાછા ફર્યા છે.
જાન્યુઆરી 2018માં ભારતીય એજન્સીઓને થાપ આપીને ભાગી ગયેલા મેહુલ ચોકસી ત્યારથી અહીં જ રહે છે. ભારતીય એજન્સીઓ હવે તેને પરત મેળવવા માટે એન્ટિગુઆ કોર્ટમાં પ્રત્યાર્પણની કાર્યવાહી કરી રહી છે.