ઉત્તરાખંડ (Utrakhand) ની ચારધામ યાત્રામાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગી શકે છે એમ બીબીસીનાં સહયોગી વર્ષાસિંહ દેહરાદૂનથી જણાવે છે.
મંગળવારે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ એક પત્રકારપરિષદમાં કહ્યું છે કે અમારો પ્રદેશ શાંત રહેવો જોઈએ અને તેની ધર્મ-સંસ્કૃતિ બચીને રહેવી જોઈએ. આ બાબતે સરકાર અભિયાન આદરશે અને જે લોકોનું વૅરિફિકેશન યોગ્ય રીતે નથી થયું તેમનું વૅરિફિકેશન કરશે. જેમની કારણે અહીં સ્થિતિ ખરાબ થાય એવી વ્યક્તિ ઉત્તરાખંડ ન આવે.
પુષ્કરસિંહ ધામી Pushkar Singh Dhami એ રાજ્યમાં એક સમાન નાગરિક સંહિતાનો ડ્રાફ્ટ તૈયાર કરવાની વાત પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે પુષ્કરસિંહ ધામીનું આ નિવેદન હિંદુ ધર્મસંસદોમાં થયેલી વાતો સાથે સંબંધિત છે.
ડિસેમ્બર 2021માં હરિદ્રારમાં યોજાયેલી ધર્મસંસદમાં સમુદાયનો વિશેષ વિરોધ કરનારા સ્વામી આનંદ સ્વરૂપે ચારધામ ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથમાં બિનહિંદુઓના પ્રવેશ પ્રતિબંધની માગ કરી હતી. હરિદ્રારના સંતસમાજે આ માગનું સમર્થન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ ગંગોત્રી અને યમનોત્રીના કપાટ ખૂલશે અને ચારધામ યાત્રાની શરૂઆત થશે. પુષ્કરસિંહ ધામી આ અગાઉ પણ ઉત્તરાખંડમાં જનસંખ્યા બદલાવનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં 82 ટકા હિંદુઓની વસતિ છે તો એની સાથે 13 ટકા મુસ્લિમ અને 2 ટકા શીખની વસતિ છે. અહીં ક્રિશ્ચિયન અને બૌદ્ધ ધર્મની વસતિ અંદાજિત અર્ધો ટકો જેટલી છે.