રાજકોટમાં 6 વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી, અધિકારીઓના ચેકિંગમાં 33 વિદ્યાર્થીઓ મળ્યા

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2024 (18:07 IST)
school
ગુજરાતમાં નકલીની બોલબાલા વધી ગઈ છે. નકલી PMO અધિકારી, નકલી CMO અધિકારી, નકલી ગૃહ મંત્રીનો PA,નકલી કચેરી બાદ હવે નકલી શાળા પણ ઝડપાઈ છે.રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પિપળિયા ગામમાં બોગસ સ્કૂલ ઝડપી લેવામાં આવી છે. એક વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા તપાસમાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો.જેમાં શિક્ષણ વિભાગની માન્યતા વિના ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 
 
છ વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી
રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના પિપળિયા ગામમાં નવીનનગરમાં આવેલી ગૌરી પ્રિ-પ્રાઈમરી સ્કૂલમાં એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપતા ન હતા. આ પ્રકારની ફરિયાદ તાલુકા પ્રમુખ કેતનભાઈ કથીરિયા દ્વારા મળી હતી. જેથી આજે તપાસ માટે ત્યા પહોંચ્યા હતા. જે દરમિયાન સામે આવ્યું કે, શિક્ષણ વિભાગની માન્યતા વિના વર્ષ 2018થી અત્યાર સુધી એટલે કે છ વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી.
 
ત્રણ ખાનગી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ મળ્યા
પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, સંચાલકો પાસે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જ નહોતા. કાત્યાયનીબેન તિવારી અને સંદીપ તિવારી બોગસ સ્કૂલ ચલાવતા હતા. તેમની સામે અમે પોલીસ ફરિયાદ દાખલ કરી રહ્યા છીએ અને હાલ સ્કૂલને સીલ કરવામાં આવી છે. જ્યારે આ સ્કૂલમાં તપાસ કરવામાં આવી તો આ સમયે સ્કૂલમાં ભણતા 33 વિદ્યાર્થીઓ મળી આવ્યા છે. રાજકોટ શહેરની ત્રણ ખાનગી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે. પરંતુ તે ત્રણેય સ્કૂલ કઈ છે એ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

સંબંધિત સમાચાર

Next Article