રાજકોટમાં ફરી રાદડિયા જૂથનો દબદબોઃ APMCના ચેરમેન તરીકે જયેશ બોઘરા રિપીટ

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2024 (16:24 IST)
t: Jayesh Boghra repeats as APMC chairman
બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં આવતા ફરી એક વખત રાદડિયા જૂથનો દબદબો યથાવત રહ્યો છે. ચેરમેન પદ પર જયેશ બોઘરાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન પદ પર વિજય કોરાટની નિમણૂંક કરવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની પ્રથમ અઢી વર્ષની મુદત પૂરી થતાં ચૂંટણી કરવામાં આવી હતી.આ ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપના જ બે પૂર્વ મંત્રીના જૂથ દ્વારા લોબિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 
 
ચેરમેન પદ પર જયેશ બોઘરાને રિપીટ કરવામાં આવ્યા
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન પદ માટે વર્તમાન પ્રમુખ જયેશ બોઘરાને રિપીટ કરાવવા રાદડિયા જૂથે લોબિંગ કર્યું હતું. જ્યારે અરવિંદ રૈયાણી જૂથ દ્વારા ચેરમેન તરીકે સહકારી આગેવાન પરસોતમ સાવલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આજે પ્રદેશ ભાજપના મેન્ડેટ મુજબ ચેરમેન પદ પર જયેશ બોઘરાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન પદ પર સર્વાનૂમતે વિજય કોરાટની નિમણૂંક કરવામાં આવી છે.
 
ચેરમેન અને વાઈસ ચેરમેન માટે સેન્સ પ્રક્રિયા થઈ હતી
આ પહેલા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. તેમાં જામનગર અને જુનાગઢના ભાજપના સિનિયર આગેવાનો નિરિક્ષક તરીકે રાજકોટ આવ્યા હતા અને સહકારી આગેવાનોની સેન્સ લીધી હતી. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ચેરમેનપદ માટે ત્રણ આગેવાનોએ દાવેદારી કરી હતી. જેમાં વર્તમાન ચેરમેન જયેશ બોઘરા, પરસોતમ સાવલિયા અને વિજય કોરાટનો સમાવેશ થાય છે. 
 
સૌરાષ્ટ્રનું નંબર 1 યાર્ડ ગુજરાતનું નંબર 1 યાર્ડ બને
આ અંગે રાજકોટ માર્કેટિંગ યાર્ડના નવ નિયુક્ત ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, પ્રદેશ મોવડી મંડળ દ્વારા મારા ઉપર ભરોસો મૂકી ફરી એક વખત મને ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે, હું તમામનો આભાર માનુ છું અને સૌરાષ્ટ્રનું નંબર 1 યાર્ડ ગુજરાતનું નંબર 1 યાર્ડ બને તેવા મારા અને મારી ટીમના પ્રયત્ન રહેશે.માર્કેટ યાર્ડ દ્વારા સતત એવા પ્રયત્ન કરવામાં આવે છે કે ખેડૂતો પોતાનો પાક ઉતારી શકે અને ખેડૂતોને પોતાના પાકના પુરતા ભાવ મળી રહે.

સંબંધિત સમાચાર

Next Article