રાહુલ ગાંધી 29મી એપ્રિલે પાટણમાં સભા ગજવશે, 27 એપ્રીલે પ્રિયંકા ગાંધી ધરમપુરમાં પ્રચાર કરશે|

Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2024 (18:43 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં પ્રચાર માટે કેન્દ્રમાંથી ધૂરંધર નેતાઓ મેદાનમાં ઉતરશે. રાજ્યમાં ગૃહમંત્રી અમિત શાહ 27થી 29 એપ્રિલ સુધી પ્રચાર કરે તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. તેઓ ત્રણ દિવસ માટે ગુજરાત આવશે અને દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પ્રચાર કરશે. બીજી તરફ વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં આવીને સભાઓ ગજવશે. ત્યારે હવે આ જ અરસામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાત ખૂંદી વળશે. 
 
29 એપ્રીલે રાહુલ ગાંધી પાટણ ખાતે ચૂંટણી સભા ગજવશે
ગુજરાત કોંગ્રેસનાં સંગઠન પ્રભારી અને વરિષ્ઠ રાજ્યસભા સભ્ય મુકુલ વાસનીક બે દિવસ ગુજરાત આવશે.27 એપ્રીલે પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુર ખાતે જાહેરસભા ગજવશે. 28 એપ્રીલે અભિષેક મનુ સિંધવી અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. 29 એપ્રીલે રાહુલ ગાંધી પાટણ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે.કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ અલકા લાંબા ગુજરાતમાં પ્રચાર કરશે.પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ, અશોક ગહેલોત અને તેલંગાણાનાં યુવા મુખ્યમંત્રી રેવંતા રેડીની પણ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત પવન ખેરા, સુપ્રીયા શ્રીનેટ સહિત યુવા નેતા કનૈયાકુમાર, ઇમરાન પ્રતાપગઢી, યુથ કોંગસનાં રાષ્ટ્રીય પ્રમુખ બી વી શ્રીનિવાસ ગુજરાતમાં પ્રેસ અને જાહેરસભા કરે તે માટે હાઈકમાન્ડને આમંત્રણ પાઠવ્યું છે.
 
પહેલી મેથી જ વડાપ્રધાન મોદી ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે
ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેથી જ વડાપ્રધાન મોદી રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે. બીજી મેના રોજ તેઓ જૂનાગઢમાં પ્રચાર કરશે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં જનસભાને સંબોધન કરશે. તે ઉપરાંત બનાસકાંઠા અને આણંદ, સુરેન્દ્રનગર અને આણંદમાં પણ સભાઓ ગજવશે. વડાપ્રધાન વડોદરામાં જબરદસ્ત રોડ શો કરશે. વડાપ્રધાન ગુજરાત આવશે અને દરેક સભામાં ત્રણથી ચાર લોકસભા બેઠકો આવરી લે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપના સુત્રો જણાવી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

Next Article