ઓવૈસી ગાંધીનગર અને ભરૂચ સીટ પર ઉમેદવારો ઉભા રાખશે, કોંગ્રેસે કહ્યું ભાજપે બોલાવ્યા

Webdunia
મંગળવાર, 26 માર્ચ 2024 (21:42 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપે તમામ 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસમાં હજી આઠ બેઠકો પર કોકડું ગૂંચવાયું છે. સાબરકાંઠા, વલસાડ, પોરબંદર અને રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવારો સામે અસંતોષ ઉભો થયો છે. ત્યારે હવે આ જંગમાં અસદુદ્દિન ઓવૈસીની પાર્ટી ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસે આ મુદ્દે કહ્યું હતું કે,ભાજપ હાર ભાળી ગઈ છે એટલે કોંગ્રેસના મત તોડવા માટે અસદુદ્દિન ઓવૈસીને ગુજરાતમાં ચૂંટણી લડવા માટે બોલાવ્યાં છે. 
 
AIMIM ઉમેદવાર ઊભા રાખી વોટ કાપી શકે છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે હૈદરાબાદના સાંસદ તેમજ ઓલ AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દિન ઓવૈસી હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખશે.AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી AIMIM ઉમેદવાર ઉભા રાખશે.ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધનને લઈને AIMIM ઉમેદવાર ઊભા રાખી વોટ કાપી શકે છે. 
 
વિધાનસભા ચૂંટણીમાં 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યાં હતા
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યાં હતા પરંતુ એક પણ ઉમેદવાર જીત્યા ન હતા તેમજ આ ચૂંટણીમાં AIMIM પાર્ટીને NOTAથી પણ ઓછા મત મળ્યા હતા. વર્ષ 2021માં યોજાયેલી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ વિવિધ બેઠક પર 21 ઉમેદવાર ઉભા રાખ્યાં હતા, જેમાંથી 7 ઉમેદવારો જીતી કોર્પોરેટર બન્યાં હતા.
 
AIMIMની એન્ટ્રીથી રાજકીય સમીકરણોમાં પરિવર્તન આવશે
આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ઓવૈસી ભાજપના મદદકર્તા તરીકે આવ્યા છે હવે તેમનો ચહેરો ખુલ્લો પડી ગયો છે.AIMIMની એન્ટ્રીથી રાજકીય સમીકરણોમાં પરિવર્તન આવશે. કારણ કે ફક્ત બે બેઠકો ઉપર ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકીય નિવેદનબાજીઓની અસર પણ લોકમાનસ ઉપર પડતી હોય છે. અસદુદ્દીન ઓવૈસી દ્વારા ઉમેદવારોની પસંદગી કયા પ્રકારે કરાય છે અને બંને ઉમેદવારો આ બેઠક ઉપર કેવી અસર કરશે એ જોવાનું રસપ્રદ રહેશે.

સંબંધિત સમાચાર

Next Article